આપણા હિન્દુ પંચાંગ મુજબ લગભગ સાડા ત્રણ વર્ષ બાદ વિક્રમ સંવતમાં એક વધારાનો મહિનો ઉમેરવો પડે છે. આમ થવાથી તે વર્ષમાં બારને બદલે તેર મહિના થાય છે. સામાન્ય રીતે દરેક વર્ષના ૩૬૦ દિવસ હોય છે, પરંતુ આમાં સૂર્ય ચંદ્રની ગતિના ફેરફારોને અનુસરતાં લગભગ ત્રણેક વર્ષ બાદ આવનારા વર્ષમાં ૨૫-૨૭ દિવસની ઘટ ઉદભવે છે જેને સરભર કરવા તે વર્ષમાં એક આખો વધારાનો મહિનો ઉમેરવો પડે છે જેને અધિક માસ કહેવામાં આવે છે. આ ગણતરી વૈજ્ઞાનિક છે અને ઘણી અટપટી પણ છે, રસ ધરાવતા લોકો તે અંગેના સાહિત્યમાંથી વિશેષ વિગતો મેળવી શકશે.
આપણે ત્યાં અધિક માસને પુરુષોત્તમ માસ એવું નામ પણ અપાયેલું છે. પુરુષોતમ નામ ભગવાન વિષ્ણુનું જ એક નામ છે. આમાં કંઇક એવી દંતકથા મળે છે કે હિન્દુ પંચાંગના બારે માસ સાથે કોઇને કોઇ ભગવાનનું નામ સંકળાયેલું હતું જ્યારે અધિક માસ સાથે કોઇ નામ જોડાયેલું ન હતુ અને તેથી લોકો તેને માટે મળમાસ ( અહીં આ નામમાં માસ દરમિયાન મનનો કચરો દૂર કરવો તેવું સૂચિત છે) એવો શબ્દ પણ પ્રયોજતા તેથી અધિક માસે નારાજ થઇ આ અંગે ભગવાન વિષ્ણુને ફરિયાદ કરતાં ભગવાને તેની વેદના દૂર કરવા તેને પોતાનું નામ પુરુષોત્તમ આપેલ છે.
શાસ્ત્રો દ્વારા ગોઠવવામાં આવેલા આ અધિક માસમાં દાન પુણ્ય, વ્રત ઉપવાસ અને પ્રભુ ભક્તિ કરવાનો મહિમા મોટા પાયા ઉપર પ્રચલિત છે. આ મહિના દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો, ગરીબોને દાન આપવાનો તેમ જ દરરોજ કોઇ એક નિશ્ર્ચિત જગા પર બેસીને પ્રભૂ સ્મરણ કરવું એ મુખ્ય ગણાય છે. આ ઉપરાંત આ મહિનામાં ખાસ કરીને મહિલાઓ આખો મહિનો એકટાણુ કે ઉપવાસ કરે છે. એકટાણું ખૂબ જ શ્રધ્ધા અને ભાવપૂર્વક કરવામાં આવે છે. વળી અધિક મહિનો ત્રણેક વરસ બાદ આવે છે, તેથી હવે પછી તે આવે ત્યારે આપણે હોઇએ અને ન પણ હોઇએ એવી માન્યતાને લીધે લોકો ભાવવિભોર બનીને પૂજા, ઉપવાસ અને દાન પુણ્ય કરે છે. શ્રધ્ધાળુ મહિલાઓ તો અધિક મહિનાની આતુરતાથી રાહ જોઇને બેઠી હોય છે. કોઇ એક વાર જમીને ઉપવાસ કરે છે તો કોઇ માત્ર ફળાહાર જ કરે છે. આ સમગ્ર માસ દરમિયાન વ્યક્તિએ પોતાની ઇન્દ્રીયોને વશમાં રાખવાથી માંડીને માત્ર ભજન કીર્તનમાં જ મનને વ્યસ્ત રાખવાનું છે. સમગ્ર માસ દરમિયાન મંદિરો અને ઘરોમાં સાત્વિક વાતાવરણ જોવા મળે છે. અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દર્શાવતાં પુસ્તકો અને વ્રત કરવાની વિધિ વાળાં ઘણાં પુસ્તકો પણ બજારમાં મળે છે. ચાલો આપણે પણ આ વર્ષે આવેલા અધિક માસમાં શક્ય તેટલું વધુ ને વધુ પુણ્ય કમાઇ લઇએ….
-અનંત પટેલ