આપણી ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ લેખક શ્રી અશ્વિની ભટ્ટની હાસ્યનવલ “કમઠાણ”ની આ ફિલ્મ આવૃત્તિ છે.
એક ચોર ભૂલથી ગામમાં નવા આવેલા ગરમમિજાજી પોલીસ ઇન્સ્પેક્ટરના ઘરમાં ચોરી કરે છે અને શરુ થાય છે ઉંદર-બિલાડીનો ખેલ જેમાં દાવ પર લાગે છે પોલીસખાતાંની પ્રતિષ્ઠા અને ચોરોની સલામતી. પોલીસવિભાગ અને ચોરોની બિરાદરી વચ્ચે પોતપોતાનો સ્વાર્થ સાધવા સર્જાતી હુંસાતુંસીમાં છેવટે કોણ બાજી મારે, એ છે કમઠાણ. હાસ્યનવલની જેમ જ આ ફિલ્મમાં પણ ભારોભાર ગુજરાતી પ્રાદેશિકતા છલકાય અને કોઈપણ ભાષાના પ્રેક્ષકને માણવી ગમે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
શ્રી અશ્વિની ભટ્ટની પ્રખ્યાત નવલકથા પરથી રૂપાંતરિત આ ફિલ્મ કમઠાણ આપણી સંસ્કૃતિ અને જુસ્સાનું ઉદાહરણ છે. 2જી ફેબ્રુઆરી, 2024 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા માટે નિર્ધારિત, આ ફિલ્મ તમને “હેલ્લારો” લાવનાર ટીમના સમર્પણ અને સર્જનાત્મકતાનો પુરાવો આપશે. હિતુ કનોડિયા, સંજય ગોરડિયા, દર્શન જરીવાલા, અરવિંદ વૈદ્ય, કૃણાલ પંડિત, દીપ વૈદ્ય, તેજલ પંચાસરા અને અન્યોને દર્શાવતી આ વિશાળ સ્ટારકાસ્ટમાં ગુજરાતી સિનેમા અને થિયેટરના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત નામોનો સમાવેશ થાય છે. દિગ્દર્શનની બાગડોર પ્રતિભાશાળી નવોદિત ધ્રુનાદના હાથમાં છે, જેમણે વાર્તાનું અટપટું વિશ્વ પડદે જીવંત કરવાની સાથેસાથે આકર્ષક પટકથા પણ લખી છે જેમાં અભિષેક શાહ, ઉર્વીશ કોઠારી, બીરેન કોઠારી અને જસવંત પરમાર જેવા અનુભવી લેખકો પણ જોડાયેલ છે.
ફિલ્મનો હળવાશથી ભરપૂર અભિગમ એ સુનિશ્ચિત કરે છે કે તે દરેક વય જૂથને આકર્ષે, જેથી આ ફિલ્મ એક કુટુંબ સાથે મજા કરવા લાયક એવું એડવેન્ચર બની શકે. ફિલ્મના રિલીઝ થયેલ ગીત અને ટિઝરે અપેક્ષાઓ ખુબ વધારી દીધી છે, અને ચાહકો આ જાદુના સાક્ષી બનવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ “હેલ્લારો”ની સફળતા બાદ, પ્રખ્યાત પ્રોડક્શન ટીમ – હરફનમૌલા ફિલ્મસ, તેમના બીજા સાહસ સાથે પ્રેક્ષકોને બીજી એક અવિસ્મરણીય રાઈડ પર લઈ જવા માટે તૈયાર છે. હરફનમૌલા ફિલ્મસ અને પેમ સ્ટુડિયો ગર્વપૂર્વક ગુજરાતી ભાષાની ફિલ્મ “કમઠાણ” આપ સૌ સમક્ષ રજુ કરે છે. 2જી ફેબ્રુઆરી, 2024 -જ્યારે કમઠાણ તમને ગુજરાતના હૃદય સુધી પહોંચાડશે, અને એક એવો સિનેમેટિક અનુભવ આપશે જેવો કોઈ અન્ય નહીં આપી શકે.