અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગલ્ફ જાયન્ટ્સે યુએઈની આઈએલટી20 સિઝન-4 અગાઉ મજબૂત કોચિંગ સ્ટાફની જાહેરાત કરી

Rudra
By Rudra 3 Min Read

દુબઈ – અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગલ્ફ જાયન્ટ્સે ડીપી વર્લ્ડ ઈન્ટરનેશનલ લીગ ટી20 (આઈએલટી20)ની ચોથી સિઝન અગાઉ નવા કોચિંગ સ્ટાફની જાહેરાત કરી. આ જાહેરાત લીગની પ્રથમવાર યોજાનાર હરાજી અગાઉ કરવામાં આવી છે. નવું સેટઅપ એ ટાઈટલ જીતવા માટે વધુ જુસ્સા સાથે આગળ વધવાનો સંકેત આપે છે.

જોનાથન ટ્રૉટ એ ટીમના હેડ કોચ તરીકે એન્ટ્રી કરી છે, જેઓ ઈંગ્લેન્ડના સૌથી વધુ ટેક્નિકલી મજબૂત બેટર્સમાંથી એક હોવાનો શાનદાર રેકોર્ડ ધરાવે છે. ટ્રૉટ એ કોચિંગ કરિયર દરમિયાન અફઘાનિસ્તાનને ઐતિહાસિક આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 સેમિફાઈનલ સુધી પહોંચવા માર્ગદર્શન આપવા ઉપરાંત 2023ના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં પ્રભાવશાળી પ્રદર્શન માટેની પ્રેરણા આપી હતી. એક ખેલાડી તરીકે ટ્રૉટ એ 52 ટેસ્ટમાં 3835 રન કર્યા હતા. આ ઉપરાંત તેમણે 68 વન-ડેમાં 51ની સરેરાશથી 2819 રન કર્યા હતા, જેમાં 4 સદી અને 22 અડધી સદી સામેલ હતી.

ન્યૂઝીલેન્ડના દિગ્ગજ પેસ બોલર શેન બોન્ડ બોલિંગ કોચ તરીકે જોડાયા છે. આ પૂર્વ દિગ્ગજે 120 આંતરરાષ્ટ્રીય મુકાબલાઓમાં 259 વિકેટ લીધી હતી. બોન્ડ એક દાયકાથી વધુ સમયથી કોચિંગનો અનુભવ ધરાવે છે. જેમાં ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય ટીમ ઉપરાંત ટી20 ફ્રેન્ચાઈઝમાં આઈપીએલ અને યુએઈની આઈએલટી20નો સમાવેશ થાય છે.

દક્ષિણ આફ્રિકાના એન્ડ્રુ પુટ્ટીક બેટિંગ કોચ તરીકે જોડાયા છે, જેમના નામે 17 હજાર જેટલા ફર્સ્ટ ક્લાસ રન છે. આ ઉપરાંત તેઓ અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સાથે કામ કરી ચૂક્યા છે. પૂર્વ ઈંગ્લિશ ખેલાડી જેમી ટ્રોઉગ્ટન ફિલ્ડિંગ બાબતોમાં ધ્યાન આપશે. જ્યારે નિષ્ણાંત ફિટેનસ પ્રોફેશનલ નિક લી જેઓ બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન સાથે કામ કરી ચૂક્યા છે, તેઓ જોડીદાર ટ્રૉટ (હેડ કોચ) સાથે સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચની ભૂમિકામાં ટીમમાં રહેશે.

ગલ્ફ જાયન્ટ્સના કોચિંગ સ્ટાફનું પરિવર્તન અદાણી સ્પોર્ટ્સલાઈનના પ્રતિભાઓના ઉછેર અને વિકાસ આધારિત વાતાવરણ તૈયાર કરવાના લક્ષ્યાંકને દર્શાવે છે. યુવા યુએઈ ઓલરાઉન્ડર અયાન ખાન અને ઝિમ્બાબ્વેના પેસર બ્લેસિંગ મુઝરબાની એ ટીમની નોંધપાત્ર સફળતાઓ છે.

ગલ્ફ જાયન્ટ્સમાં હેડ કોચ તરીકે જોડાવવા અંગેનો આનંદ વ્યક્ત કરતા ટ્રૉટ એ કહ્યું કે,”ધ ગલ્ફ જાયન્ટ્સ ઝડપભેર આઈએલટી20ની સૌથી સફળ ટીમમાં સામેલ થઈ છે. મારો લક્ષ્યાંક ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર કરવા અને પ્રથમવાર યોજાનાર આઈએલટી20 હરાજી થકી ચેમ્પિયનશિપ વિનિંગ સ્કવૉડને આકાર આપવામાં મદદ કરવાનો રહેશે.”

જ્યારે બોન્ડે કહ્યું કે,”ટીમની મહત્ત્વકાંક્ષાઓ સ્પષ્ટ છે. હું બોલિંગ અટેકને આ સિઝનમાં છાપ છોડે એવું ધારદાર બનાવવા ઉત્સુક છું.”

પુટ્ટીકે કહ્યું કે,”ખેલાડીના વિકાસનું મૂલ્ય ધરાવતા સેટઅપમાં કામ કરવું એ ગર્વની વાત છે. હું સામૂહિક સફળતામાં યોગદાન આપવા આતુર છું.”

અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરા એ આ પ્રસંગે કહ્યું કે,”શાનદાર ક્રિકેટિંગ નિષ્ણાંતોના સમૂહને આવકારતા આનંદ થઈ રહ્યો છે. ગલ્ફ જાયન્ટ્સને વધુ ઉચ્ચ સ્તરે લઈ જવા માટે તેમનો અનુભવ અને મૂલ્યો મહત્ત્વપૂર્ણ સાબિત થશે.”

ગલ્ફ જાયન્ટ્સ સ્કવૉડઃ

રિટેન્ડ – અયાન ખાન, બ્લેસિંગ મુઝરબાની, ગેરહાર્ડ ઈરાસ્મસ, જેમ્સ વિન્સે, માર્ક અદૈર.

નવા કરારબદ્ધ ખેલાડીઓ- અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોઈન અલી, રહમાનુલ્લાહ ગુરબાઝ.

Share This Article