મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. લોકો 10-20 કિલોમીટર લાંબી વાહનોની લાઈનોમાં ફસાઈ ગયા છે. તેવામાં અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકોએ તેમની ભૂખ મીટાવવા સ્તુત્ય પ્રયાસો કરી રહ્યા છે. ટ્રાફિકમાં ફસાયેલા યાત્રાળુઓને સ્વયંસેવકો સ્થળ પર જઈ ભોજન પ્રસાદ વિતરણ કરી રહ્યા છે. હજારો યાત્રાળુઓ આ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ તેમનો ખૂબ-ખૂબ આભાર માની રહ્યા છે.
ભારે ભીડને કારણે પ્રયાગરાજ સહિત અન્ય શહેરોમાં ટ્રાફિક પ્રભાવિત થયો છે. કડકડતી ઠંડી હોય કે, અંધારી રાત, ભર બપોરનો તડકો હોય કે, ધુળીયુ વાતાવરણ અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકો અનેક કપરી પરિસ્થિતીઓનો સામનો કરીને લોકોને તેમના સ્થળ સુધી ભોજન પહોંચાડી ભૂખ મીટાવી રહ્યા છે. અને સેવા એજ સાધના મંત્રને યથાર્થ કરતા અનોખો યજ્ઞ કરી રહ્યા છે.
5 ફેબ્રુઆરીથી પ્રયાગરાજમાં ભક્તોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. પ્રયાગરાજ હાઇવેથી સંગમ ઘાટ સુધી ઠેર-ઠેર ટ્રાફિક જામ છે. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 15 લાખ વાહનો શહેરમાં પ્રવેશ્યા, પરંતુ આટલી મોટી સંખ્યામાં વાહનો તે જ ગતિએ બહાર નીકળી શક્યા નહીં, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. તેવામાં પોલીસ દળોની હાલત પણ દયનીય બની ગઈ છે. અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકોની ટીમ સુરક્ષા દળોને પણ મહાપ્રસાદ તેમના ફરજ પરના સ્થળે પહોંચાડી રહી છે.
કુંભમેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે અદાણી અને ઇસ્કોન દ્વારા આ ચોથું રસોડું સ્થાપિત કરવામાં આવ્યું છે. અગાઉ ભોજન મેળાના મેદાનમાં પરિવહન કરવું પડતું હતું, જેના કારણે લોજિસ્ટિકલ વિલંબ થતો હતો. હવે, આ નવી વ્યવસ્થા સાથે, ભક્તો તેમના પવિત્ર સ્નાન પૂર્ણ કર્યા પછી તરત જ સંગમ ખાતે જ પ્રસાદ મેળવી શકે છે.