અડાલજ-કોબામાં અન્નપૂર્ણા ધામ મંદિરની પ્રતિષ્ઠા કરાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : અડાલજ-કોબા રોડ પર લેઉવા પાટીદારોના સ્વમાન અને ગૌરવનું શ્રધ્ધાતીર્થ સમું સમગ્ર વિશ્વના પ્રથમ, સૌથી મોટા અને કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન પંચતત્વ  અન્નપૂર્ણાધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તા.૫મી માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અન્નપૂર્ણાધામના ભવ્ય છાત્રાલય, ભોજનાલય, અદ્યતન લાયબ્રેરી, ફોટોગેલેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમકેન્દ્રો તથા રહેવા માટેની રૂમો સહિતના અન્ય પ્રોજેક્ટસનું પણ ખાતમૂર્હુત કરશે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં રાજયપાલ ઓ.પી.કોહલી, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો હાજરી આપશે એમ અત્રે અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ચેરમેન રવજીભાઇ સવાણી અને મેનેજીંગ ટ્રસ્ટી બિપીનભાઇ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના હસ્તે અન્નપૂર્ણાધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાને લઇ ભવ્ય તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તા.૫મી માર્ચના રોજ યોજાનારા આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં અમદાવાદ અને તેની આસપાસના તેમ જ રાજયભરમાંથી ૩૦ હજારથી વધુ શ્રદ્ધાળુ ભકતો ભાગ લેવા આવશે. આ ભવ્ય કાર્યક્રમના ભાગરૂપે તા.૩જી માર્ચના રોજ સવારે ૧૦ વાગ્યે અડાલજ ગામના સ્વામિનારાયણ મંદિરથી વિશાળ શોભાયાત્રા-જલયાત્રા અન્નપૂર્ણા મંદિરે આવશે. બીજા દિવસે તા.૪થી માર્ચના રોજ સવારે બપોરે ૧૨-૩૯મિનિટે મંદિરમાં મૂર્તિઓનું સ્થાપન અને સાંજે પાંચ વાગ્યે મહાઆરતી, જયારે તા.૫મી માર્ચના રોજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અન્નપૂર્ણા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.

અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ચેરમેન રવજીભાઇ સવાણી અને મીડિયા કો-ઓર્ડિનેટર હિતેશ પટેલ(પોચી)એ વધુમાં જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા મંદિરની સાથે સાથે ૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવું ભવ્ય છાત્રાલય, ભોજનાલય, અદ્યતન લાયબ્રેરી, ફોટોગેલેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમકેન્દ્રો તથા રહેવા માટેની રૂમો સહિતના અન્ય પ્રોજેક્ટસ રૂ.૫૦ કરોડના ખર્ચે હાથ ધરાશે. આ પ્રસંગે નિરમાગ્રુપના કરસનભાઇ પટેલ, કેડિલા ગ્રુપના પંકજભાઇ પટેલ, વસાણી ગ્રુપના હરેશભાઇ વસાણી, ભોજનાલયના દાતા ગણેશ હાઉસીંગના શેખર પટેલ, લાયબ્રેરીના દાતા સુજલ પટેલ, કોન્ફરન્સ હોલના દાતા વરૂણ નરહરિ અમીન, વ્યવસાયિક તાલમી કેન્દ્રના દાતા સુધીર મહેતા અને નાગજીભાઇ શિંગાળા તેમ જ સ્વામિનારાયણ ટ્રસ્ટ, અડાલજના ટ્રસ્ટીઓનું પણ વડાપ્રધાન મોદીના હસ્તે વિશેષ સન્માન કરાશે.

Share This Article