બોલિવૂડના સિનિયર સ્ટાર્સમાં સ્થાન મેળવનારી તબુને ઉંમર પ્રમાણે રોલ સતત મળી રહ્યા છે. ભૂલ ભુલૈયા ૨ની હિટ બાદ તબુની ડીમાન્ડ પણ વધી છે. પાછલા કેટલાક સમયથી બોલિવૂડની ફિલ્મો સતત ફ્લોપ જઈ રહી છે અને તેના કારણે એક્ટર્સ-પ્રોડ્યુસર્સ બધા ચિંતામાં છે. તબુએ આ પ્રકારની ચિંતાઓથી દૂર રહેવા માટે સ્ટાર્સને સલાહ આપી છે. તબુનું માનવું છે કે, ફિલ્મ બનાવવામાં એક્ટર્સના પૈસા રોકાતા નથી. તો પછી, તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મિનિ વેકેશન જેવા માહોલમાં પણ લાલસિંહ ચઢ્ઢા અને રક્ષાબંધનને ઠંડો રિસ્પોન્સ મળતા ચારે બાજુ તેની જ ચર્ચા થઈ રહી છે.
આ અંગે તબુએ જણાવ્યું હતું કે, હું આવી બાબતો અંગે વધારે વિચારતી નથી. આ અંગે વધારે નહીં વિચારવાનો ઓપ્શન એક્ટર્સ પાસે છે, કારણ કે તેમાં અમારા પૈસા નથી રોકાતા. અમારે બસ સારું કામ કરવું જોઈએ અને ફિલ્મ સારી હોવી જોઈએ.
બોક્સ ઓફિસ કલેક્શનની વધારે ચિંતા પ્રોડ્યુસરને રહેતી હોય છે. કોઈ ફિલ્મ સારું પરફોર્મ કરે તો ખૂબ ગમે છે. તબુની આગામી ફિલ્મમાં દૃશ્યમ ૨ અને ભોલાનો સમાવેશ થાય છે. આ બંને ફિલ્મની સફળતા માટે તબુ નિશ્ચિંત છે. તેનું માનવું છે કે, કોઈ ફિલ્મ સફળ જાય ત્યારે ફાયદો થાય છે અને બીજા લોકોને પણ લાભ થાય છે. જો કે ફિલ્મ સારું પરફોર્મ ના કરે તો તેનાથી એક્ટરને કેટલું નુકસાન થાય છે તેની મને કબર નથી. ફિલ્મ ફ્લોપ થતાં જ એક્ટરનું બધું ખતમ થઈ જાય તે વાતમાં દમ નથી. એક ફિલ્મ ફ્લોપ જવાથી કામ મળતું બંધ થઈ જાય તે વાતમાં દમ નથી.