૧૯૯૮ના ઓક્ટોબર માસમાં બે કાળિયાર હરણનો શિકાર કરવા બદલ જોધપુર કોર્ટે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારી છે. આ આદેશ પછી સલમાન ખાનને કોર્ટમાંથી જ જોધપુરની સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવ્યો છે. ફરિયાદ પક્ષના વકીલના જણાવ્યા અનુસાર કોર્ટે આ કેસના અન્ય આરોપીઓ સૈફ અલી ખાન, તબુ, નીલમ, સોનાલી બેન્દ્રે અને સ્થાનિક રહીસ દુષ્યંત સિંહને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા છે. સલમાન ખાનને ચોથી વખત જોધપુર જેલમાં મોકલવામાં આવ્યો છે. આ અગાઉ ૧૯૯૮,૨૦૦૬ અને ૨૦૦૭માં કુલ ૧૮ દિવસ સલમાનને આ જ જેલમાં રાખવામાં આવ્યો હતો. સલમાનને ત્રણ વર્ષથી વધારે સજા થઇ હોવાથી તેને જામીન માટે હવે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ ૨૮ માર્ચે સુનાવણી પૂર્ણ કરી લીધી હતી અને પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ફરિયાદ પક્ષના વકીલ મહિપાલ બિશ્નોઇના જણાવ્યા અનુસાર કોર્ટે આજે સલમાનને પાંચ વર્ષની જેલની સજા અને ૧૦,૦૦૦ રૃપિયાનો દંડ ફટકાર્યો છે.સલમાનને વાઇલ્ડ લાઇફ(પ્રોટેક્શન) એક્ટની કલમ ૯/૫૧ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. ફિલ્મ ‘હમ સાથ સાથ હે’ના શૂટિંગ દરમિયાન પહેલી ઓક્ટોબર, ૧૯૯૮ની રાતે સલમાને જોધપુર પાસે આવેલા કાંકાણી ગામમાં બે કાળિયારની હત્યા કરી હતી. કાળિયારને સંરક્ષિત પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે અને તેનો સમાવેશ વાઇલ્ડલાઇફ(પ્રોટેકશન) એક્ટ, ૧૯૭૨ના શિડયુલ્ડ -૧માં કરવામાં આવ્યો છે. જ્યારે ચુકાદો આપવામાં આવ્યો ત્યારે તમામ આરોપીઓ કોર્ટમાં હાજર હતાં.
ઉલ્લેખનીય છે કે ફોરેસ્ટ અધિકારી લલિત બોડાએ આ કેસમાં જોધપુરના લૂણી પોલીસ સ્ટેશનમાં ૧૫ ઓક્ટોબર, ૧૯૯૮ના રોજ સલમાન વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. જોધપુરના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ ચુકાદો આપતી વખતે જણાવ્યું હતું કે લાખો લોકોની નજર અભિનેતા પર હોવાથી તેમને કોર્ટમાંથી જ જેલમાં મોકલવામાં આવ્યો છે. જજે વધુમાં જણાવ્યું છે કે જે રીતે અભિનેતાએ નિર્દોષ કાળિયારની હત્યા કરી છે તે અયોગ્ય છે. આ કેસમાં અન્ય આરોપીઓ સૈફ અલી ખાન, તબુ, નીલમ, સોનાલી બેન્દ્રે અને સ્થાનિક રહીસ દુષ્યંત સિંહને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.