એક્ટર અજય દેવગને ઓટીટી પર ફીના મામલે તમામ રેકોર્ડ્‌સ તોડી નાખ્યા

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

કોરોના મહામારીના સમયથી ફિલ્મોના વિકલ્પ તરીકે ઊભરી રહેલા ઓટીટી પ્લેટફોર્મ્સે હવે એક્ટર્સની ફીના મામલે પણ ફિલ્મો સાથે સ્પર્ધા શરૂ કરી છે. ઓટીટી પર પોતાનો ફેન બેઝ ઊભો કરનારા પોપ્યુલર એક્ટર્સને ૧૦-૧૨ કરોડની ફી ચૂકવવામાં પ્રોડક્શન હાઉસીસ સહેજ પણ ખચકાતા નથી. તેમાં પણ સિરીઝમાં એ-ગ્રેડ ફિલ્મ સ્ટાર્સનો લીડ રોલ હોય તો તેમને ૧૨૫ કરોડ સુધીની ફી ચૂકવાઈ હોવાના કિસ્સા છે.  દિલચસ્પ સ્ટોરીને દમદાર એક્ટિંગથી વધારે અસરકારક બનાવતા હોય તેવા એક્ટર્સને ઓટીટી પર સ્ટાર જેવું સ્ટેટસ મળે છે. તેમાંથી મોટાભાગના એવા છે, જેમને ફિલ્મોમાં સાઈડ રોલ ઓફર થતા હોય, જ્યારે ઓટીટી પર તેઓ પોતાના દમ પર આખી સિરીઝને સફળ બનાવી જાય છે. નાના પડદાના સ્ટાર્સની પોપ્યુલારિટી પણ ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. ઓટીટી પ્લેટફોર્મને થીયેટર કે ફિલ્મોના વિકલ્પ તરીકે મજબૂત બનાવવા માટે ધૂમ ખર્ચો થઈ રહ્યો છે અને તેનો લાભ દમદાર એક્ટર્સને સીધો થઈ રહ્યો છે. 

ઓટીટી પર મનોજ બાજપેયી, પંકજ ત્રિપાઠી, નવાઝુદ્દીન સિદ્દીકી જેવા સ્ટાર્સને કરોડો રૂપિયાની ફી ચૂકવાઈ છે. સૈફ અલી ખાનને સેક્રેડ ગેમ્સ માટે ૧૫ કરોડની ફી મળી હતી. ઓટીટીના જાણીતા સ્ટાર પંકજ ત્રિપાઠી ૧૦-૧૨ કરોડની ફી વસૂલી રહ્યા છે. નવાઝુદ્દીન અને મનોજ બાજપેયીની ફી પણ ૧૦-૧૨ કરોડ જેટલી હોવાનું કહેવાય છે. શાહિદ કપૂરને રૂ.૨૦-૨૫ કરોડ જેટલી ફી ઓટીટી ફિલ્મ માટે અપાઈ છે.  ઓટીટી પર ૧૦-૧૨ કરોડની ફી તો ઠીક છે, પરંતુ ફિલ્મોના સુપરસ્ટાર્સ જ્યારે ઓટીટી પર આગમન કરતા હોય ત્યારે તેમને પણ સ્ટેટસ પ્રમાણેની ફી આપવામાં ઓટીટીને ખચકાટ થતો નથી. અજય દેવગન ઓટીટી પર ફીના મામલે તમામ રેકોર્ડ્‌સ તોડી નાખ્યા છે. અજય દેવગણે રુદ્રઃધ એજ ઓફ ડાર્કનેસમાં લીડ રોલ કર્યો હતો. આ એક વેબ સિરીઝ માટે અજય દેવગનને રૂ.૧૨૫ કરોડની ફી લીધી હતી. ઓટીટી પ્લેટફોર્મ પર સૌથી વધુ ફી મેળવનાર એક્ટર્સની યાદીમાં અત્યારે અજયનું નામ મોખરે છે. 

Share This Article