નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સવારે સીસીએસ અથવા તો સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય પાકિસ્તાન સામે કઠોર કાર્યવાહીના ભાગરુપે કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. પાકિસ્તાન સામે પ્રથમ મોટી કાર્યવાહીના ભાગરુપે મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જા તરત પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, સંરક્ષણમંત્રી સીતારામન ઉપસ્થિત રહ્યા હતા. સીસીએસની બેઠક એક કલાકથી પણ વધુ સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જા પરત લેવામાં આવ્યો હતો.
મોદીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ કરવામાં આવ્યા હતા તેના ભાગરુપે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનો સમાવેશ થાય છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની રચના કરવામાં આવ્યા બાદ ૧૯૯૬માં પાકિસ્તાનને એમએફએનનો દરજ્જા ભારત દ્વારા આપવામાં આવ્યો હતો. લાંબા ગાળા બાદ ભારતે આ દરજ્જા પાછો ખેંચી લીધો છે. ઉરી હુમલા બાદ પાકિસ્તાન પાસેથ આ દરજ્જા લઇ લેવા માટે દબાણ વધારવામાં આવ્યું હતું પરંતુ ભારત સરકારે આને નજરઅંદાજ કરી દીધો હતો પરંતુ હવે આ દરજ્જા પરત ખેંચી લેવામાં આવ્યો છે. પાકિસ્તાનને આના કારણે ભારે નુકસાન થવાની શક્યતા છે.
ત્રાસવાદીઓ દ્વારા સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યા બાદ ઉભી થયેલી સ્થિતી પર ચર્ચા કરવામાં આવી હતી. શહીદ થયેલા જવાનોના સન્માનમાં બે મિનિટનુ મૌન પાળવામાં આવ્યુ હતુ. સાથે સાથે હુમલા કરનાર ત્રાસવાદીઓ અને હુમલામાં મદદ કરનારને બોધપાઠ ભણાવવાની પણ વાત કરવામા આવી હતી. મોદીએ તમામ પાસા પર તમામ સંબંધિતોના અભિપ્રાય લીધા હતા. બેઠક બાદ કેન્દ્રિય પ્રધાન અરૂણ જેટલીએ કહ્યુ હતુ કે આજની બેઠકમાં તમામ પાસા પર ચર્ચા થઇ છે. અરૂણ જેટલીએ એવો અભિપ્રાય આપ્યો છે કે પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરરજ્જા પાછો ખેંચી લેવામાં આવ્યો છે. સાથે સાથે આંતરષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને વધારે અલગ પાડવા અને તેની સામે વિશ્વ સમુદાયને એકત્રિત કરવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. રાજનાથસિંહ જમ્મુ કાશ્મીરથી પરત ફર્યા બાદ આવતીકાલે સર્વપક્ષીય બેઠક યોજાશે જેમાં રાજકીય પક્ષોના અભિપ્રાય લેવાશે.