દેશમાં મહિલાઓની સામે અપરાધો સતત વધી રહ્યા છે. હૈદરાબાદમાં મહિલા તબીબની સાથે બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યા અને હવે ઉન્નાવ ગેંગરેપ પીડિતાની સાથે બળાત્કાર બાદ તેને જીવતી સળગાવી દેવાની ઘટનાથી લોકો બહાર આવ્યા નથી ત્યાં જ દિલ્હીમાં એક મહિલા પર કેમિકલ ફેંકવાની ચોંકાવનારી ઘટના સપાટી ઉપર આવી છે. આ ઘટના નવીદિલ્હી રેલવે સ્ટેશન પર બની હોવાના અહેવાલ મળ્યા છે. મહિલા પર કયા પ્રકારના કેમિકલ ફેંકવામાં આવ્યા છે તે અંગે હજુ માહિતી મળી શકી નથી પરંતુ આ ઘટનાને નવી દિલ્હી રેલવે સ્ટેશનના અજમેરી ગેટની નજીક અંજામ આપવામાં આવી હતી. તેલંગાણાની નિવાસી પીડિતા પોતાના પતિથી અલગ રહે છે તેનો એક પુત્ર પણ છે.
છેલ્લા છ મહિનાથી તે દિલ્હીમાં પશ્ચિમ બંગાળના એક વ્યક્તિની સાથે રહેતી હતી. આ શખ્સ પર મહિલા પર કેમિકલ ફેંકવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાને પહેલા એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાંથી તેને હવે ગુરુનાનક દેવ આઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવના અપરાધીની શોધખોળ ચાલી રહી છે. એસિડ ફેંકીને તે ફરાર થઇ ચુક્યો છે. આ મામલામાં પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે.