ભારત માટે ગઇકાલે રવિવારનો દિવસ રમતગમતના ક્ષેત્રે ઐતિહાસિક રહ્યો હતો. દેશની નંબર વન બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુએ વિશ્વ વિજેતા બનવામાં સફળ રહી હતી. છેલ્લી બે વિશ્વ ચેમ્પિયનશીપમાં ફાઇનલમાં પરાજિત થયા બાદ આ વખતે સિન્ધુએ બાજી મારી દીધી હતી. સિન્ધુએ આ સફળતા એ દિવસે હાંસલ કરી હતી જે દિવસે તેની માતાનો જન્મદિવસ હતો. એક પુત્રી માતાને આનાથી મોટી ભેંટ શુ આપી શકવાની હતી. સિન્ધુએ પણ આ જીત પોતાની માતાને સમર્પિત કરી દીધી હતી. સિન્ધુએ જાપાનની ઓકુહારા પર માત્ર ૩૬ મિનિટમાં જ સીધી ગેમોમાં જીત મેળવી લીધી હતી. આની સાથે જ આ સિદ્ધી હાંસલ કરનાર તે પ્રથમ ભારતીય બની ગઇ હતી. વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં પણ સિન્ધુ ફાઇનલમાં પહોંચી હતી.
જો કે તે ફાઇનલમાં હારી ગઇ હતી. વર્ષ ૨૦૧૭માં ઓકુહારાના હાથે તેની હાર થઇ હતી. સિન્ધુએ આ વખતે તેના દમદાર સ્મેશ અને શાનદાર પ્લેસમેન્ટના કારણે જીત મેળવી હતી. ઓકુહારાને આ વખતે સિન્ધુએ વાપસી કરવાની કોઇ તક આપી ન હતી. તે ઓકુહારાની નબળાઇને સમજીને મેદાનમાં ઉતરી હતી. સતત કોર્ટમાં તેને બેઝલાઇન પર રમાડીને શાનદાર જીત મેળવી હતી. આ ચેમ્પિયનશીપમાં ભારતના પુરૂષ વર્ગમાં સાંઇ પ્રણીત કાસ્ય ચન્દ્રક જીતીને આગેકુચ કરવામાં સફળ રહ્યો હતો. આશરે ત્રણ દશક પહેલા પ્રકાશ પાદુકોણે આ સફળતા હાંસલ કરી હતી. સુવર્ણ સફળતાની સાથે સિન્ધુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એક ગોલ્ડ, રજત અને બે કાસ્ય જીતની સાથે કુલ પાંચ મેડલ જીતનાર બીજી અને ત્રણેય પ્રકારના મેડલ જીતનાર ત્રીજી ખેલાડી બની ગઇ હતી. સમગ્ર દેશને ૨૪ વર્ષીય સિન્ધુ પર નાજ છે. તેની આ ઐતિહાસિક સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તમામ સફળતા હાંસલ કરનાર ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે ભારતને ગર્વ અપાવવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
વડાપ્રધાને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે ખેલ પ્રત્યે સમર્પણ ભાવનાથી સિન્ધુએ સાબિતી આપી છે કે તે અભભૂતપૂર્વ કુશળતા ધરાવે છે. આના કારણે યુવા ખેલાડીઓને વધારે પ્રેરણા મળનાર છે. હાલના વર્ષોમાં ભારતે બેડમિન્ટન, ક્રિકેટ, નિશાનેબાજી, એથલેટિક્સ, કુસ્તી, વેઇટલિફ્ટિંગ સહિતના જુદા જુદા ક્ષેત્રોમાં જોરદાર દેખાવ કર્યો છે. ભારતમાં કુશળ ખેલાડીઓની કોઇ કમી નથી. માત્ર તેમને યોગ્ય તક આપવામાં આવે તે જરૂરી છે. માહોલ અને કિટ મળી જાય તો ખેલ જગતમાં પણ ભારત અમેરિકા, ચીન , બ્રિટન જેવા દેશોની સમકક્ષ પહોંચી શકે છે.
હાલના વર્ષોમાં તમામ ક્ષેત્રે ભારતીય ખેલાડીઓ વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. સરકાર પણ ખેલોને પ્રોત્સાહન આપવા માટે જુદા જુદા પગલા લઇ રહી છે. બેડમિન્ટન સ્ટાર પીવી સિન્ધુથી બોધપાઠ લઇને યુવતિઓ જે બેડમિન્ટનમાં પ્રવેશ કરવા માટે ઇચ્છુક છે તે જોરદાર આગેકુચ કરી શકે છે. ભારતમાં પીવી સિન્ધુની જાહેરાતની દુનિયામાં પણ વધારે બોલબાલા હવે રહેશે. સાથે સાથે ભારતને આવનાર વર્ષોમાં વધારે ગૌરવ અપાવવા માટે પણ સિન્ધુ તૈયાર થઇ રહી છે. ૨૪ વર્ષીય સિન્ધુની સફળતા ચોક્કસપણે તમામ ભારતીયો માટે ગૌરવ સમાન છે.