ગુજરાતમાં હિંસા માટે અલ્પેશ જ જવાબદાર હોવાનો આક્ષેપ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : ઉત્તર ભારતીયો ઉપર થયેલા હુમલાના સંદર્ભમાં આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જારી રહ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની હિજરત વચ્ચે ભાજપ અને જેડીયુ દ્વારા કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે. આ બંનેએ આ હુમલા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવીને પ્રહારો કર્યા છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ આ મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબની માંગ કરી છે. બિહારમાં સત્તારુઢ જનતા દળ યુનાઇટેડે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર લખીને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સમગ્ર ઘટનાક્રમ માટે જવાબદાર ઠેરવ્યા છે. જેડીયુએ પ્રશ્ન કર્યો છે કે, કોંગ્રેસી લોકોને બિહારના લોકો પ્રત્યે આટલી નફરત કેમ છે.

ભાજપે કહ્યું છે કે, ગુજરાતમાં હિંસા માટે કોંગ્રેસ જવાબદાર છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ગીરીરાજસિંહે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા કાવતરાપુર્વક હુમલા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના લોકો સમગ્ર દેશમાં નફરતનું  વાતાવરણ સર્જવાના પ્રયાસમાં છે. ગીરીરાજે કહ્યું હતું કે, અલ્પેશની સેના દ્વારા આ હુમલા કરવામાં આવી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે પોતાની રજૂઆત કરતા કહ્યું છે કેતેમના લોકો હિંસાને રોકવાના પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં કોઇપણ તકલીફ થાય તેમ તેઓ ઇચ્છતા નથી. હાર્દિક પટેલે પણ ઘટનાની નિંદા કરીને અપરાધીઓને કઠોર સજા કરવાની માંગ કરી છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર મામલામાં વડાપ્રધાન ઉપર પ્રહારો કર્યા છે.

ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે ગુજરાત અને કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતા સંજય નિરુપમે કહ્યું છે કે, વડાપ્રધાનના વતન રાજ્ય ગુજરાતમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના લોકોને મારી મારીને ભગાડવામાં આવી રહ્યા છે. એક દિવસ વડાપ્રધાનને ફરી વારાણસીમાં જવાનું છે. વારાણસીમાંથી જ મોદી ચૂંટણી લડી ચુક્યા છે. જેડીયુના પ્રવક્તા નિરજ કુમારે કહ્યું છે કે, એકબાજુ અલ્પેશ ઠાકોરને બિહાર કોંગ્રેસના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ તેમની સેના દ્વારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બિહારના લોકોને બહાર કરવામાં આવી રહ્યા છે.

Share This Article