રાજકોટ આરટીઓમાં યુવકની હત્યા કેસમાં આરોપી ઝડપાયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

રાજકોટ આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં બાર દિવસ પૂર્વે યુવકને છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારભર્યા પ્રકરણમાં ફરાર તમામ છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. યુવકની હત્યા રેડિયમ પટ્ટીના મામલે નહી પરંતુ હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની વાત આવતા પોલીસે હવે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પોલીસે છ આરોપીઓ પાસે ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. તેમજ જાહેરમાં તેમનું સરઘસ કાઢી આરોપીઓને ઉઠક-બેઠક કરાવી માફી મંગાવડાવી હતી. આ અંગેની વિગત એવી છે કે, દૂધસાગર રોડ પરની લાખાજીરાજ સોસાયટીમાં રહેતો અને રાજકોટ આરટીઓમાં રેડિયમ પટ્ટી લગાવવાનું કામ કરતો સાહિલ હનીફભાઇ પાયક (ઉ.વ.૨૫) અને તેનો ભાઇ એઝાઝ સહિતના લોકો ગત તા.૧૫ના સવારે ૧૦-૩૦ વાગ્યે આરટીઓ કચેરીમાં પોતાના કામ પર હતા. ત્યારે કનુ આહીર અને તેનો ડ્રાઇવર ટ્રકનું પાસીંગ કરાવવા આવ્યો હતો અને ટ્રકમાં રેડિયમ પટ્ટી નહીં લગાવી હોવાનું સાહિલે આરટીઓ ઇન્સ્પેક્ટર ગામીતનું ધ્યાન દોરતા સાહિલ અને કનુ વચ્ચે બોલાચાલી થઇ હતી, બપોરે ૨-૩૦ વાગ્યે બંને પક્ષે બેસીને સમાધાન કરી લીધું હતું. પરંતુ એક કલાક પછી ૩-૩૦ વાગ્યે કનુ સહિતના શખ્સો ફરીથી આરટીઓ કચેરીમાં ધસી ગયા હતા અને સાહિલને છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો તેમજ અન્ય ચારને પણ ઇજા થઇ હતી.

હત્યાના બનાવ અંગે મૃતકના ભાઇ એઝાઝ પાયકની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે કનુ એન.આહીર અને કુલદીપ સહિત છ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. ઘટના બાદ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસે અનેક સ્થળે તપાસ કરી હતી, પરંતુ આરોપીઓ હાથ આવ્યા નહોતા, બુધવારે આરોપીઓ રજૂ થતાં બી.ડિવિઝન પીઆઇ ફર્નાન્ડીઝ સહિતના સ્ટાફે કોઠારિયા રહેતા આરોપી અમરશી ઉર્ફે કનુ નારણ ગોહેલ (ઉ.વ.૩૯), ધર્મેશ પ્રભાત ધ્રાંગા (ઉ.વ.૨૪), લાપાસરીના રાહુલ રાજુ ગોહેલ (ઉ.વ.૨૩), કોઠારિયાના નીતિન માધવજી ડાભી (ઉ.વ.૨૯), હરિ ઘવા રોડ પર રહેતા મનસુખ કેશવજી ઢોલરિયા અને કોઠારિયાના મુકેશ ઉર્ફે કાનો ખોડા સોલંકી (ઉ.વ.૩૨)ની ધરપકડ કરી હતી. તપાસનીશ અધિકારી પીઆઇ ફર્નાન્ડિઝે કહ્યું હતું કે, મુકેશ ઉર્ફે કાનાએ છરીના ઘા ઝીંક્યા હતા.

રેડિયમ પટ્ટી લગાવવાના મુદ્દે બોલાચાલી થતાં સાહિલે ગાળો ભાંડી હતી અને તેનાથી સમસમી ઊઠી હત્યા કર્યાનું આરોપીઓએ રટણ રટ્યું હતું, પરંતુ સાહિલની હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની વાત આવતાં આરોપીઓ અને મૃતકના મોબાઇલની કોલ ડિટેલ મેળવવામાં આવી રહી છે અને તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. છરી સહિતના હથિયારો કબજે કરવા તેમજ હત્યા બાદ ક્યાં છૂપાયા હતા અને અન્ય કોઇની સંડોવણી હતી કે કેમ સહિતના મુદ્દે આરોપીના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે.

Share This Article