હોસ્પિટલ લિફ્ટમાં અકસ્માતે મહિલા કર્મચારીનું થયેલું મોત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી સ્ટાર હોસ્પિટલમાં કામ કરતી મહિલા કર્મચારીનું મોડી રાતે સામાન ભરવાની લિફ્‌ટ અકસ્માતે મહિલાના માથા પર પડતાં તેનું કરૂણ મોત નીપજયુ હતું. જા કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, બીજીબાજુ, આ ઘટના બાદ મહિલાના પરિવારજનો અને સંબંધીઓએ હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો હતો અને ન્યાયની માગ કરી હતી. જેને લઇ વાતાવરણ ગરમાયું હતું.  ઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મામલો શાંત પાડવાની કોશિશ કરી હતી.

પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બાપુનગર ટોલનાકા પાસે આવેલી સ્ટાર હોસ્પિટલમાં ગઇકાલે મોડી રાતે અરુણાબહેન રજનીભાઇ પરમાર સામાન ભરવાની લિફ્‌ટની નીચે ફસાયેલું લાકડું કાઢવા જતાં લિફ્‌ટ તેમના માથે પડી હતી, જ્યાં તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ અરુણાબહેનના પતિ રજનીભાઇ અને પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. શહેરકોટડા પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે આવી ગઇ હતી અને મામલો ગરમાય નહીં તે મામલે ઉશ્કેરાયેલાં ટોળાંને વેરવિખેર કર્યાં હતાં. બનાવને પગલે અને મહિલા કર્મચારીના મોતના સમાચારને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સ્થાનિકોમાં ખાસ કરીને હોસ્પિટલના અન્ય સ્ટાફ અને કર્મચારીઓમાં અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.

Share This Article