અમદાવાદ : અમદાવાદ શહેરના ખોખરા ગઢવી બંગલોઝ પાસેના ચાર રસ્તા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટિંગ ડમ્પરે એક મહિલાને અડફેટે લીધી હતી, આ ગંભીર અકસ્માતમાં મહિલાનો એક પગ કચડાઇને લગભગ અલગ થઈ ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. સ્થાનિકોએ મહિલાના કચડાયેલા પગ સાથે ૧૦૮ મારફતે તેને એલજી હોસ્પિટલ ખસેડી હતી. આ ગંભીર અકસ્માત સર્જયા બાદ આરોપી ડમ્પર ચાલક ફરાર થયા તે પહેલા જ લોકોએ તેને પકડી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો. ખોખરા પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ખોખરા વિસ્તારમાં ગઢવી બંગલોઝ પાસેના ચાર રસ્તા પાસે અમ્યુકોના જેટીંગ ડમ્પરચાલકે પોતાનું વાહન ગંભીર બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી રસ્તેથી પસાર થઇ રહેલી એક મહિલાને હડફેટે લીધી હતી. જેમાં તેનો પગ જારદાર રીતે કચડાઇ ગયો હતો અને લોહીલુહાણ હાલતમાં કરૂણ આક્રંદ કરતી, ચીસો પાડતી મહિલા ત્યાં જ ફસડાઇ પડી હતી.
મહિલાની ચીસો સાંભળી સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક ૧૦૮ બોલાવી નજીકની એલજી હોસ્પિટલમાં કચડાયેલા પગ સાથે સારવાર અર્થે ખસેડી હતી. તો, બીજીબાજુ, અક્સ્માતથી ગભરાઇ ગયેલો ડમ્પર ચાલક ફરાર થઇ જાય તે પહેલાં લોકોએ સમયસૂચકતા વાપરી તેને ઝડપી લીધો અને પોલીસને જાણ કરી પોલીસને સોંપ્યો હતો. આ બનાવ અંગે પોલીસે પણ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.