ચિલોડામાં ક્રોસિંગ પાસે ટ્રક નીચે કચડાતાં યુવતીનું મોત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :  ગાંધીનગર જિલ્લાના ટ્રાફિકથી ભરચક રહેતાં ચિલોડા ક્રોસિંગ પાસે એક એક્ટિવાચાલક યુવતીને ટ્રકે અડફેટે લીધી હતી. જેમાં ઘટના સ્થળે જ ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું મોત નીપજ્યું હતું. જેને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટાળો ઉમટી પડ્‌યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાના ચિલોડા સર્કલ પાસે આજે એકટીવા પર એક યુવતી પસાર થઇ રહી હતી ત્યારે એક ટ્રકચાલકે તેનું વાહન ગફલતભરી રીતે હંકારી એકટીવાચાલક યુવતીને હડફેટે લીધી હતી, જેના કારણે તેણીનું એકટીવા ટ્રકની નીચે આવી ગયુ હતું અને તે ટ્રક નીચે કચડાઇ ગઇ હતી. ખૂબ જ ગંભીર ઇજાઓ થવાના કારણે એકટીવાચાલક યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયુ હતું.

આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ટ્રકચાલકની ગંભીર ભૂલને લઇ યુવતીના અકાળે મોતને લઇ લોકોમાં ઉગ્ર આક્રોશ જાવા મળતો હતો. લોકોના ટોળા ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડતાં ચિલોડા હાઇવે પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

એકટીવાચાલક યુવતીના ઘટનાસ્થળે જ મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. અકસ્માતની જાણ થતાં ચિલોડા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી જરૂરી તપાસ હાથ ધરી હતી.

Share This Article