અમદાવાદ : ડીસા-મંડાર હાઈવે પર આવેલા કૂચાવાડા ટોલ પ્લાઝા પાસે એક ગમખ્વાર અને વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં એક સાથે ટ્રક અને કાર સહિત ત્રણ વાહનો અથડાતાં આગ લાગી હતી. જેમાં ટ્રકના ડ્રાઇવર અને કલીનર આગમાં જ ભડથું થઇ ગયા હતા તો, કારમાં અમીરગઢના રહીશ અને ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરતાં કાળુભાઈ મકરાણીનું તેમની દીકરી સાથે અકસ્માતમાં મોત નિપજ્યું હતું. કાળજું કંપાવતી બાબત તો એ હતી કે, વેપારી કાળુભાઇ મકરાણી તેમના દીકરાના રાજસ્થાનના મંડારમાં નિકાહ કરાવીને વતન પરત ફરતાં હતા. બપોર બાદ તેમની દીકરીના લગ્નનો પ્રસંગ હતો.
પરંતુ તે પહેલાં જ અક્સ્માતની આ કરૂણાંતિકા સર્જાતા જે દિકરીને સાસરિયે વળાવવાની હતી, તેણી અકાળે કાળનો કોળિયો બની હતી. વેપારી પોતે પણ મોતને ભેટયા હતા. આમ, અકસ્માતમાં કુલ ચાર વ્યકિતના મોત નિપજ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં વેપારીની પત્ની ઈજાગ્રસ્ત થઈ હતી. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માતમ પથરાઇ ગયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં વેપારી મુરાદખાન મહેબુબખાન પઠાણ ઉર્ફ કાળુભાઈ મકરાણી (ઉ.વ.૫૮ વર્ષ) અને તેમની પુત્રી આયેશાબાનુ મુરાદખાન પઠાણ (૨૧ વર્ષ)ના અકાળે મોત થતાં તેમના પરિવારજનો, સગાવ્હાલા અને મિત્રવર્તુળમાં શોકની કાલીમા ફરી વળી હતી કારણ કે, આજે પુત્રીના નિકાહનો પ્રસંગ હતો તે શોકના માતમમાં ફેરવાઇ ગયો હતો.
બીજીબાજુ, અકસ્માત બાદ લાગેલી આગમાં ભડથું થઇ ગયેલા ડ્રાઇવર અને કલીનરના નામ જાણી શકાયા નથી પરંતુ પોલીસે તેમની ઓળખના ચક્રો ગતિમાન કર્યા હતા અને આ મામલે તપાસ હાથ ધરી હતી. અકસ્માતની ઘટના બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરવિભાગનો સ્ટાફ પણ ફાયર ફાઇટર સાથે આવી પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જા કે, આગમાં ડ્રાઇવર અને કલીનર ભડથુ થઇ ગયા હતા. દરમ્યાન આ કરૂણાંતિકાને પગલે સમગ્ર અમીરગઢ પંથકમાં સ્થાનિક ગ્રામજનોએ દુકાનો, ધંધા-રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો હતો અને સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પી તેમના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરાયો હતો.