અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ઈશાન-૩ બી ફ્લેટમાં આવેલા એક મકાનમાં મોડી રાતે આગ લાગતાં પતિ-પત્નીના કરૂણ મોત નીપજયા હતા. આગના આ બનાવમાં શાહ પરિવારની બે પુત્રી અને દાદી પણ ગંભીર રીતે દાઝી જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગૂંગળામણના કારણે બંને પતિ પત્નીના મોત નીપજ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, શહેરના પ્રહલાદનગરમાં આવેલા ઈશાન-૩ ટાવર-બી ફ્લેટના ૬૪ નંબરના મકાનમાં અચલભાઈ શાહ,પત્ની પ્રેમીલા શાહ, પુત્રી આરોહી, રિશીતા અને તેમની માતા સાથે રહેતા હતા. અચલભાઈ એક ખાનગી મીડિયામાં માર્કેટિંગ હેડ તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે રાતે અચલભાઈનો પરિવાર ઘરમાં સૂતો હતો.
દરમ્યાનમાં મોડી રાતે ૨.૩૦ વાગ્યે સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગના ધુમાડાથી ઘરના સભ્યો જાગી ગયા હતા. પરંતુ ઘરમાં આગ વધુ પ્રમાણમાં પ્રસરી ગઇ હતી. આગ ઘરના દરવાજા સુધી પ્રસરી ગઈ હતી જેથી તેઓ ઘરની બહાર નીકળી શક્યા ન હતા. ધુમાડાના કારણે ઘરના તમામ સભ્યો બેભાન થઈ ગયાં હતાં. બીજી તરફ પાડોશીઓએ ફાયર બ્રિગેડને જાણ કરતા સાત જેટલા ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી. ફાયરની ટીમે ઘરના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશી આગને કાબુમાં લઈ લીધી હતી.
પાંચેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જા કે, આગના આ બનાવમાં અચલભાઈ અને તેમના પત્ની પ્રેમીલાબેનનું ગૂંગળામણના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે તેમની માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આનંદનગર પોલીસે લાશને પીએમ માટે મોકલી એફએસએલની ટીમને જાણ કરી આગનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. બીજીબાજુ, ફલેટમાં લાગેલી ભયંકર આગના બનાવમાં પતિ-પત્નીના મોતને લઇ સ્થાનિક રહીશો અને લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.