અમદાવાદ : શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર ગઈકાલે મોડી રાત્રે બે બાઈકો વચ્ચે સર્જાયેલા એક ગંભીર અકસ્માતમાં થયો હતો. જેમાં એક પોલીસ કર્મચારીનું ગંભીર ઇજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, શહેર પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. રિવરફ્રન્ટ પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના રિવરફ્રન્ટ પર ગત મોડી રાત્રે સામસામા બે બાઈક અથડાતાં એક બાઈક પર સવાર યુઆરએલડી જવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ખમાસાથી પોલીસ બંદોબસ્ત પૂરો કરીને તે પરત ફરતો હતો ત્યારે સામે રોંગ સાઈડમાં ત્રિપલ સવારીમાં બાઈકે અકસ્માત સર્જાયો હતો. નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે સાબરમતી રિવરફ્રન્ટ પરના રોડપર વાહનોની અવરજવર હતી. તે દરમિયાન સાગર મેર નામનો પોલીસ કોન્સ્ટેબલ પોતાની બાઈક પર જઈ રહ્યો હતો. તેવા સમયે સામેથી આવતી બાઈક સાથે તેનું બાઈક અથડાયું હતું.
ટક્કર એટલી ભયાનક હતી કે કોન્સ્ટેબલ અને સામેના બાઈકસવારને ગંભીર ઈજાઓ થઈ હતી અને બાઈકના કૂર્ચા બોલાઈ ગયા હતા. સામસામા બાઈક અથડાતા ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે નજીકની વી એસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નિવડી ન હતી અને તેનું મોત થયું હતું. જ્યારે સામે બાઈક પર આવતાં યુવાનો પણ ઈજાગ્રસ્ત થતાં તેમને પણ સારવાર હેઠળ દાખલ કરાયા હતા. જા કે, પોલીસ જવાનના મોતથી શહેરના પોલીસ બેડામાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવને પગલે સ્થાનિકોમાં ભલે નવરાત્રિની ઉજવણી હોય પરંતુ વાહન હંમેશા સાવચેતી અને સાવધાનીપૂર્વક ચલાવવાની હિમાયત ચર્ચાતી નજરે પડતી હતી.