મુંબઇ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.દેવાનંદ શિંદે શુક્રવારે કાર્બન ડેટિંગના સંશોધન માટે અત્યાધુનિક એક્સલેરેટર માસ સ્પેક્ટ્રોમેટ્રી (એ.એમ.એસ.) મશીનનું ઉદઘાટન કર્યું હતું. એ.અમે.એસ.ની મદદથી પુરાતત્વ વિષયક અશ્મિઓ, નમૂના સહિત અન્ય વસ્તુઓ ચોક્કસ કેટલાં વર્ષ પુરાણી છે અને તે ચોક્કસ કયા સમયગાળાની છે તેની સચોટ માહિતી મળી શકે છે (આ વૈજ્ઞાાનિક પ્રક્રિયાને કાર્બન ડેટિંગ કહેવાય છે). આ વિશિષ્ટ વૈજ્ઞાાનિક પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર અને મુંબઇ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના એમેરિટસ પ્રોફેસર દુષ્યંત કોઠારીએ આ વિષે વાત કરતા જણાવ્યું હતું કે ૧૦ કરોડની કિંમતનું આ મશીન નેધરલેન્ડમાં બનેલું છે.
હાલ ભારતમાં પુરાતત્વ વિષયક સંશોધન માટે કાર્બન ડેટિંગની અત્યાધુનિક સુવિધા નથી, પરિણામે આપણે વિદેશો પર આધાર રાખવો પડે છે. વળી,એક અશ્મિ કે નમૂનાનું કાર્બન ડેટિંગ કરવા આપણે ૬૦૦ યુરો(એક યુરોબરાબર ૮૦ રૃપિયા)નો મોટો ખર્ચ થાય છે. જોકે હવે અહીં શરૃ થયેલા પ્રોજેક્ટની મદદથી આપણા વિદેશી હૂંડિયામણની બચત તો થશે અને સાથોસાથ આપણા પુરાતત્વ વિભાગના વિજ્ઞાાનીઓને પણ તેમના સંશોધનમાં ઘણી મદદ થશે.
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અને ટી.આઇ.એફ.આર.ના સિનિયર ખગોળશાસ્ત્રી ડો. મયંક વાહિયાએ પણ આ બાબતે જણાવ્યું હતું કે એ.એમ.એસ.ના આ અત્યાધુનિક મશીનની મદદથી ૫૦,૦૦૦ વર્ષ પુરાણા કોઇપણ અશ્મિ, હાડકાં અને વસ્તુનું સંશોધન થઇ શકશે. એટલેકે આટલો જૂનો સમયગાળો પણ નક્કી થઇ શકશે. વળી, આ મશીનની મદદથી કોઇપણ અશ્મિ કે નમૂનો ફક્ત એક ગ્રામ જેટલો હશે તો પણ તેનું કાર્બન ડેટિંગ થઇ શકશે.
ઉપરાંત, આ પ્રોજેક્ટની મદદથી સમગ્ર ભારતના અણુ ઉર્જાકેન્દ્રોમાં ૧૪સી કાર્બનનું કેટલું ઉત્પાન થયું છે, દર્દીને અપાયેલી દવા તેના શરીરમાં ચોક્કસ કયા અંગસુધી પહોંચી છે અને બ્રહ્માંડમાંથી પૃથ્વી પર આવતાં કોસ્મિક કિરણો ભારતમાં કેટલાં પ્રમાણમાં આવે છે વગેરે સંશોધન કાર્યોમાં પણ થઇ શકશે.