નવી દિલ્હી : રેલવે દ્વારા મહિલાઓ માટે વધુ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેના ભાગરુપે હવે એસી -૩ ટાયરમાં મહિલાઓ માટે વધુ છ બર્થ રિઝર્વ રાખવામાં આવશે. રેલવે બોર્ડ દ્વારા આજે જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રેલવે દ્વારા રાજધાની એક્સપ્રેસ, ડુરન્ટો અને તમામ પ્રકારની એરકન્ડીશન ટ્રેનમાં એસી-૩ ટાયરના છ બર્થને મહિલાઓ માટે રિઝર્વ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ રિઝર્વ વરિષ્ઠ નાગરિકો, ૪૫ વર્ષથી વધુની વયની મહિલા યાત્રીઓ અને સગર્ભા મહિલાઓ માટે એસી-૩ ટાયરમાં દરેક બોગીમાં ફાળવવામાં આવેલી નીચેની ચાર બર્થના સંયુક્ત રિઝર્વેશન ઉપરાંતની છે. રેલવે તમામ મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મહિલા યાત્રીઓને તેમની વય, એકલા યાત્રા કરનાર અથવા તો સમૂહમાં યાત્રા કરનારના આધાર પર સ્લીપર ક્લાસની છ બર્થમાં રિઝર્વેશન આપે છે. આ ઉપરાંત ગરીબરથ એક્સપ્રેસ ટ્રેનના થર્ડ એસીમાં દરેક ટ્રેનમાં મહિલાઓ માટે છ સીટો રિઝર્વ રાખવામાં આવે છે.
દરેક ટ્રેનના સ્લીપર ક્લાસમાં વરિષ્ઠ નાગરિકો, ૪૫ વર્ષની વયથી વધુ વયની મહિલાઓ, સગર્ભા મહિલાઓ માટે સ્લીપર ક્લાસમાં દરેક બોગીમાં નીચેના છ બર્થ અને એસી-૩ અને એસી-૨ ટાયર ક્લાસમાં દરેક બોગીમાં નીચેના ત્રણ બર્થ સંયુક્તરીતે રિઝર્વેશન હોય છે. સરક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, આવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, તમામ રાજધાની, ડુરન્ટો સંપૂર્ણરીતે એરકન્ડીશન ટ્રેનોના થર્ડ એસીમાં છ બર્થ મહિલા યાત્રીઓની વય અને અન્ય બાબતોના આધાર પર રહેશે. ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓને આ નિર્ણયના કારણે મોટી રાહત થશે. રેલવે દ્વારા મહિલાઓને આ એક મોટી ભેંટ તરીકે છે. રાજધાની, ડુરન્ટો અને તમામ એરકન્ડીશન ટ્રેનોના એસી-૩ ટાયરમાં મહિલાઓને સીધીરીતે ફાયદો થશે.