ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્ક રપ્સી કોડનો બેફામ દુરુપયોગ કરીને બૅન્કના લેણાની માંડ ૨૫થી ૩૦ ટકા રકમમાં જ સેટલમેન્ટ કરીને બૅન્કના અધિકારીઓ અને ડિફોલ્ટર્સ બૅન્કના ડિપોઝિટર્સને ભોગે તગડી કમાણી કરી રહ્યા છે. બૅન્કના શેરહોલ્ડર્સને પણ તેને કારણે ફટકો પડી રહ્યો છે. આ અગાઉ બૅન્કો માત્ર દસથી વીસ પૈસામાં જ એનપીએ ખરીદતી કંપનીઓ સાથેની સાઠગાંઠમાં બૅન્ક અધિકારીઓ આ પ્રકારે ગોટાળો કરતાં હતા.
હવે એનસીએલટી દ્વારા નિયુક્ત કરવામાં આવતા ઇન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોફેશનલ્સ સાથની મિલીભગતમાં આ કૌભાંડ કરી રહ્યા છે. આમ બૅન્ક અધિકારીઓ, ડિફોલ્ટર્સ અને આઈ.આર. પી. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલનો ઉપયોગ કરીને બૅન્ક લૂંટને કાયદેસર સ્વરૂપ આપી રહ્યા છે. લોન ન ભરી શકતી કંપનીઓને ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલની મદદથી ખતમ કરી દઈને બૅન્કના રૂ. ૧૦૦૦ કરોડના લેણા સામે માત્ર રૂ.૨૦૦ કરોડની રિકવરી આવી જાય તેવા સેટલમેન્ટ એનસીએલટીના માધ્યમથી બૅન્ક અધિકારીઓ અને ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ્સ કરાવીને તગડી કમાણી કરી રહ્યા છે.
ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ્સ, બૅન્ક અધિકારીઓ મોટી કંપનીઓને ઓછી કિંમતે સારી કંપની મેળવી લેવાનો મોકો મળી જાય તેવો ખેલ પણ પાડી રહ્યા હોવાના આક્ષેપો પણ થવા માંડયા છે. નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓ આજે આ પરિસ્થિતિનો સામનો કરી રહી છે. તેથી જ ઇન્સોલ્વન્સી બૅન્કરપ્સી રિઝોલ્યુશન કોડ હેઠળ એનસીએલટીમાં જતી ૯૦ ટકા કંપનીઓ રિવાઈવ જ થતી નથી. એનસીએલટીમાં ગયા પછી રિવાઈવ થયેલી કંપનીઓની યાદી જાહેર કરવામાં આવે તો આ હકીકત સ્પષ્ટ થઈ જશે. કંપનીનો માત્ર એક લાખ રૃપિયાનો લેણદાર પણ કંપનીને ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડ હેઠળ કંપનીને એનસીએલટીમાં લઈ જઈ શકે છે. આ જોગવાઈનો દુરુપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.
કંપનીઓ પોતે જ આવા લેણદારને ઊભા કરીને તેમને ઇન્સોલ્વન્સી અને બૅન્કરપ્સી કોડ હેઠળ એનસીએલટીમાં લઈ જવાનો ગોઠવણ કરે છે. આ રીતે તેઓ બૅન્કનું રૂ. ૧૦૦૦ કરોડનું દેવું માત્ર રૂ.૨૦૦ કરોડમાં પતાાવી દેવાનો ખેલ પાડી રહ્યા છે. એનસીએલટીમાં ગયેલી કંપનીને મોટી કંપનીને સોંપી દેવા માટે સેટિંગ પણ કરવામાં આવી રહ્યા છે. આ સેટિંગમાં આઈ.આર.પી.ને તેના નિશ્ચિત મહેનતાણા ઉપરાંતની સેટિંગ કરાવવાની કટકીની પણ તગડી રકમ પણ મળી જાય છે. ત્રીજું, મોટી કંપનીઓને ઉપયોગી બને તેવી નાની કંપનીઓ આસાનીથી તેમના કબજામાં આવી જાય તેવો સરળ રસ્તો પણ મળી રહ્યો છે. આ બધું જ ડિપોઝિટર્સ અને બૅન્કના શેરહોલ્ડર્સના હિતને ભોગે કરવામાં આવી રહ્યું છે.