મને કહી દે…મને કહી દે…તારા મનમાં છે વાત કહી દે…. ગુજરાતી ફિલ્મનું આ સોન્ગ આપણને ઘણું બધુ કહેવા પર મજબૂર કરી જાય છે. આપણે આપણી આસપાસ રહેલા સંબંધોમાં નજર કરીએ તો આ વાક્ય ખૂબ બંધ બેસતુ લાગે છે. દરેક સંબંધમાં આજે કંઈક કહેવાનું કંઈક જતાવાનું જ રહી જાય છે. વ્યસ્તતા કહો કે સંકોચ, ઈગો કહો કે પહેલ કરવાનો ડર…કારણ ગમે તે હોય પણ સંબંધોમાં એક બ્રેક લાગી ગઈ છે, કારણ કે કહી નથી શકતા.
સામેવાળુ શું વિચારશે…એને કેવુ લાગશે..એની છોડો બીજા બધા શું વિચારશે…સાચી વાત કહ્યાં પછી પરિણામ ઉંધુ આવશે તો? એ મને નહીં સમજી શકે તો? સંબંધોમાં ફાંટ પડશે તો? આ તમામ વિચારને બે મિનિટ માટે સાઈડમાં મૂકીને વિચારીએ કે કહી દઈશ અને યોગ્ય રીતે કહેવાશે તો જીવન કેટલું સુંદર બની જશે…બસ જરૂર છે તો તે હિંમત કેળવવાની.
રુચિને પેઈન્ટિંગનો ખૂબ શોખ. રોજ અભ્યાસક્રમ પતાવીને નીતનવા પેઈન્ટિંગ બનાવે. ઘરમાં બીજા બધા કલા પ્રત્યે ઓરંગજેબ હતા એવુ કહીએ તો ખોટુ નથી. તેથી ક્યારેય હિંમત કરી કહ્યું જ નહીં. બાજુમાં રહેતી તેની જ બહેનપણીને ઈન્ટરસ્કૂલ પેઈન્ટિંગ કોમ્પિટિશનમાં જ્યારે પ્રથમ ઈનામ મળ્યુ અને તે વાત કરવા સરલા બહેન રસિકભાઈને મળવા આવ્યા. ત્યારે રસિકભાઈએ રુચિને ટોણો માર્યો જુઓ…કંઈક શીખો…કમસે કમ ભણવામાં તો આગળ વધો…આ સાંભળી રુચિ રડતા રડતા તેના રૂમમાં જતી રહી. રસિકભાઈ તેને જોવા રૂમમાં ગયા તો ખબર પડી કે રુચિએ આટલા સુંદર પેઈન્ટિંગ બનાવ્યા છે, એટલુ જ નહીં બાજુવાળી ખ્યાતિને જે પેઈન્ટિંગ પર ઈનામ મળ્યું તે પણ રુચિએ જ બનાવીને આપ્યુ હતુ. ત્યારે રસિકભાઈને ખ્યાલ આવ્યો…
મીતાને ગાર્ડનીંગનો બહુ શોખ હતો. લગ્ન પહેલા તેનાં ઘરે તેણે ટેરેસ ગાર્ડન બનાવ્યુ હતુ. લગ્ન પછી સાસરિયામાં એક તુલસીનું કુંડુ પણ નહીં. તેનો પતિ રોજ સાંજે ઓફિસથી છૂટતાં તેના માટે લાલ ગુલાબ લઈને આવે. તે જોઈને મિતા દુ:ખી થઈ જાય અને તેને ડર્સ્ટબીનમાં ફેંકી દે. આવુ રોજ થાય, પતિએ ધીરે ધીરે તેના માટે હવે ગુલાબ જ નહીં પણ કોઈપણ ગિફ્ટ લાવવાનું બંધ કરી દીધુ…મિતાને હવે શિકાયત છે કે છેલ્લા ત્રણ વર્ષથી તેના પતિએ તેને કોઈ પણ ગિફ્ટ આપી જ નથી. વાત સાવ નાની હતી…મિતાએ ચોખવટ ન કરી કે કોઈ ફૂલ તોડે તે તેને નથી ગમતુ…ના તેના પતિએ ક્યારેય પૂછવાનો પ્રયત્ન કર્યો કે મારી લાવેલી ગિફ્ટ ફેંકી કેમ દે છે… બે વ્યક્તિ વચ્ચે સંવાદ બંધ થવાથી ત્રણ વર્ષથી તેઓ એકબીજા સાથે નારાજ છે.
પ્રિતીનાં સાસુને પ્રિતીની રસોઈ નથી ગમતી. જેટલા મહેમાન આવે તેટલાની સાથે તેઓ પ્રિતીની ખોદણી કર્યા કરે. ક્યાંક ફન્કશનમાં પણ જાય તો પ્રિતી આઘીપાછી થાય એટલે તરત જ ફરિયાદો ચાલુ કરી દે. આ વસ્તુ છ મહીનાથી ચાલુ છે અને હજી કાર્યરત છે. સવાલ એ છે કે લોકોને કહેવાને બદલે તેમણે પ્રિતીને જ કહ્યું હોત તો? સવાસ એ છે કે ઘરનાં વડીલ તરીકે તેમણે જ પ્રિતીને શિખવાડ્યુ હોત તો? વાત ખાલી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમય પર રજૂઆત કરવાની હતી…આપની આસપાસ પણ આવા કેટલાય કિસ્સા છે જેમાં માત્ર પોતાની વાત કહેવાની દેર છે. જુઓ વિચાર કરી જો જો…
પ્રકૃતિ ઠાકર