ચીન માનવ અધિકારના મામલામાં હમેશા કુખ્યાત રહ્યું છે. માનવ અધિકારના મામલે તેની વિશ્વભરમાં સતત ટિકા થતી રહી છે. હવે ચીન ઉપર વધુ એક ગંભીર આક્ષેપ મુકવામાં આવ્યું છે. ચીનની સરકાર પર હાલના દિવસોમાં બળજબરીપૂર્વક ગર્વપાત કરાવવાનો એક માનવ અધિકાર સંસ્થાએ આક્ષેપ મુક્યો છે. માનવ અધિકાર સંસ્થા ઓલ ગર્લ્સ એલાઉડે દાવો કર્યો છે કે ચીની અધિકારીઓએ બીજા બાળક થવાના દંડના રૂપમાં દંડ ન ભરવાના કારણે ફેંગ જીઆમેઈ નમની મહિલાને બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવવાની ફરજ પાડી છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં એક જ બાળકની નિતિ અમલી બનાવવામાં આવી છે.
ગ્લોબલ ટાઈમ્સ અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ રાષ્ટ્રીય અને સ્થાનિક પરિવાર નિયોજન અધિકારી ઝેનપીનમાં થયેલા આ મામલાની તપાસ કરી રહ્યા છે. સંસ્થાની એક મહિલા સભ્ય ચેઈ લિંગએ કહ્યું છે કે ફેંગના બનાવથી સ્પષ્ટ થાય છે કે એક જ બાળકની નીતિના નામ પર ચીનમાં દરરોજ મહિલાઓની સામે હિંસા જારી છે. ચીનમાં બળજબરીપૂર્વક ગર્ભપાત થઈ રહ્યા છે તેવા અહેવાલ બાદ ખળભળાટ મચી ગયો છે. સંસ્થા મુજબ ભોગ બનેલી મહિલા અને તેના પતિ સાથે વાતચીત થઈ ચુકી છે.
મહિલાના પતિ ડેંગનું કહેવું છે કે તેની પત્નીને બળજબરીપૂર્વક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને તેને ગર્ભપાત સુધી કસ્ટડીમાં રાખવામાં આવી હતી. જા કે સરકારે આ અહેવાલને રદિયો આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના આરોપ પહેલા જાપાની અને ત્યારબાદ નાજી પર થઈ ચુક્યા છે. પરંતુ ચીનમાં હવે આ પ્રકારની હિંસા જારી છે. બળજબરીપૂર્વક ગર્ભપાતનો વિરોધ કરનાર કાર્યકરોને ગયા મહિને ચીન છોડીને ફરાર થઈ જવાની ફરજ પડી હતી.