અમદાવાદ: અભ્યાસ કે નોકરીના કારણોસર કે વિદેશમાં દૂર રહેતા હોય તેવા કારણોસર આવા સંતાનોના એકલવાયું જીવન જીવતાં અને બેઘડી જીંદગીની સુખ અને શાંતિની પળોને માણવા માંગતા સિનિયર સીટીઝનો માટે દિવસનો સમયગાળો ખુશી અને આનંદથી પસાર થાય તે પ્રકારના ડે કેર હોમ ફોર સિનિયર સીટીઝન અમદાવાદથી નજીકના અંતરે ઉભુ કરવામાં આવશે. છેલ્લા ઘણા વર્ષોથી સમાજલક્ષી અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી રહેલા સહિયારૂ અભિયાન, અમદાવાદ અને શિકાગો દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર આ કંઇક અલગ અને અનોખા પ્રકારનો પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે.
આ અનોખા સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે શહેરના મણિનગર વિસ્તારમાં આગામી ડિસેમ્બર માસમાં સુપ્રસિધ્ધ કથાકાર અને પરમ શ્રધ્ધેય ભૂપેન્દ્રભાઇ પંડયાના શ્રીમુખે રામકથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સહિયારૂ અભિયાન ચેરિટીના આ કલ્યાણકારી મનોરથને પરિપૂર્ણ કરવા તા.૨૬-૧૨-૨૦૧૮ના રોજથી મણિનગર વિસ્તારમાં શરૂ થઇ રહેલી પવિત્ર રામકથા દરમ્યાન સિનિયર સીટીઝનો માટેના આ અનોખા ડેર કે સેન્ટરના ભૂમિપૂજનના પ્રકલ્પને પણ સંપન્ન કરાય તેવી શકયતા છે. આ અંગે પરમ શ્રધ્ધ્યે અને સુપ્રસિધ્ધ કથાકાર ભૂપેન્દ્રભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં મા-બાપ પોતાના સંતાનોને ભણાવી ગણાવી સારી નોકરી અપાવવા માટે બહુ જહેમત ઉઠાવતા હોય છે અને જાણે પોતાની જીવન આખુ ખપાવી દેતા હોય છે.
ત્યારબાદ બાળકો જયારે કારકિર્દી, નોકરી કે વ્યવસાયના ભાગરૂપે માતા-પિતાથી દૂર રહેતા હોય અથવા તો વિદેશ ગયા હોય ત્યારે તેઓના માતા-પિતા ઘરડે ઘડપણ અને વૃધ્ધાવસ્થામાં એકલા પડી જતા હોય છે. સંતાનો વેલસેટ હોય એટલે તેઓને પૈસાની કે બીજી કોઇ તકલીફ ના હોય પરંતુ પ્રેમ અને હુંફભર્યું વાતાવરણ અને ખુશી, આનંદ-પ્રમોદ અને શાંતિથી દિવસ પસાર થાય તેનાથી નિસ્બત હોય છે. બસ વૃધ્ધજનોની આ વ્યથાને સમજીને સહિયારૂ અભિયાન ચેરિટી, અમદાવાદ અને શિકાગો દ્વારા અમદાવાદથી નજીકના અંતરે ૧,૨૬,૦૦૦ સ્કવેરી ફીટની વિશાળ જગ્યામાં આ અનોખુ ડે કેર સેન્ટર ઉભુ કરવામાં આવશે. જયાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાંથી આવા સિનિયર સીટીઝનોને વાહનમાં સવારે ૯-૦૦ વાગ્યાથી ડે કેર સેન્ટર ખાતે લઇ જવાશે અને ત્યાં આખો દિવસ તેઓને આનંદ, પ્રમોદ અને આરોગ્ય વિષયક સુવિધા સહિતની પ્રવૃત્તિઓ ઉપલબ્ધ બનાવ્યા બાદ સાંજે ૭-૦૦ વાગ્યે તેમના ઘેર પરત મૂકી જવાશે.
ગુજરાતમાં માત્ર દિવસના સમયગાળા દરમ્યાન સિનિયર સીટીઝનોને આ પ્રકારની સેવા ઉપલબ્ધ બનાવતો આ સૌપ્રથમ અને અનોખો પ્રયોગ છે. પરમ શ્રધ્ધેય ભૂપેન્દ્રભાઇ પંડયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ કોઇ વૃધ્ધાશ્રમ નથી કે તે પ્રકારનો કોઇ આશ્રમ નથી. વૃધ્ધજનોને નિરાંત અને શાંતિની પળોનો એહસાસ કરાવતું આ ડેર કેર સેન્ટર છે. જેમાં સુંદર મજાનો બગીચો, મંદિર, ભજન, સત્સંગ, યોગા, પ્રાણાયમ, રેગ્યુલર મેડિકલ ચેકઅપ, હેલ્થ કેર માટે ડોકટરની સુવિધા, લઇ જવા-મૂકી જવા માટે પીક અપ વાન, એમ્બ્યુલન્સ વાન, ઇમરજન્સી સુવિધા, આયુર્વેિદક પંચકર્મ સુવિધા, બહારગામથી આવેલા લોકો માટે ત્રણ દિવસની સુવિધા, દિવસ દરમ્યાન ચા, પાણી, નાસ્તો અને ભોજનની સુંદર વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે. સંતાનોથી દૂર અને એકલવાયું જીવન જીવતા સિનિયર સીટીઝન્સ માટે સહિયારૂ અભિયાનનું આ ડે કેર સેન્ટર સાચા અર્થમાં આશીર્વાદ સમાન સાબિત થશે.