કેન્દ્રની મોદી સરકારે મીડિયાનો અવાજ દબાવવા માટે એક વિચિત્ર પ્રકારનો તઘલખી નિર્ણય લીધો હતો. સોમવારે આઇબી મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું હતું કે હવેથી જે પણ પત્રકારો કે છાપા અથવા મીડિયા ખોટા સમાચાર બનાવશે અને તેનું પ્રસારણ કરશે તો તેનું લાઇસન્સ જ રદ કરી દેવામાં આવશે જ્યારે પત્રકારો પાસેથી આઇકાર્ડ લઇ લેવાની પણ ચીમકી આપી હતી.
મીડિયાએ આ નિર્ણયને અભિવ્યક્તિની આઝાદી પર તરાપ સમાન ગણાવ્યો હતો. સાથે સવાલ ઉઠાવ્યા હતા કે કોઇ પણ સમાચાર બનાવટી કે ફેક છે તે નક્કી કોણ કરશે અને બનાવટી હોય તો પણ જાણી જોઇને નહીં પણ ભુલથી લખાઇ ગયા હોય તો તેમાં પત્રકારનો શું દોષ? મીડિયાએ આંદોલનની પણ ચીમકી આપી હતી અને સોશિયલ મીડિયા પર લોકોએ પણ આ નિર્ણયને લોકશાહી પર તરાપ સમાન ગણાવ્યો હતો. ચારેય બાજુ વિવાદને પગલે અંતે મોદી યુ-ટર્ન લીધો હતો અને પોતાનો આદેશ પાછો લઇ લેવા આઇબી મંત્રી સ્મૃતિ ઇરાનીને આદેશ આપ્યો હતો.
મંગળવારે સાંજ સુધીમાં સરકારે આ આદેશ પરત લઇ લીધો હોવાના અહેવાલો છે. જોકે આ પ્રકારના તઘલખી નિર્ણય લઇને મોદી સરકારે એ પુરવાર પણ કર્યું કે તે પત્રકારોનો અવાજ દબાવવા માગે છે તેમ મીડિયા હાઉસે રોષ ઠાલવ્યો હતો. એક તરફ એડિટર્સ ગીલ્ડે મોદી સરકારના નિર્ણયની આકરા શબ્દોમાં ટીકા કરી હતી જ્યારે બીજી તરફ પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે બનાવટી સમાચારો પર કાબુ મેળવવા માટે જો સરકાર ઇચ્છે તો એક સ્વતંત્ર પેનલની રચના કરી શકે છે અને તેમા અમને કોઇ જ વાંધો નથી. જોકે સાથે એવી પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે બનાવટી સમાચારોને કારણે કોઇને સજા ન કરી શકાય.