આસામ-બિહારમાં પુરથી અત્યાર સુધી ૯૭ના મોત થયા

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ગુવાહાટી-પટણા : બિહાર અને આસામમાં પુરની સ્થિતીમાં કોઇ સુધારો થઇ રહ્યો નથી. આ બંને રાજ્યોમાં મોતનો આંકડો વધીને હવે ૯૭ ઉપર પહોંચી ગયો છે. જો ઉત્તરપ્રદેશમાં પણ વરસાદ સંબંધિત બનાવોમાં ૧૪ લોકોના મોતના આંકડાને આવરી લેવામા ંઆવે તો મોતનો આંકડો વધીને ૧૦૦થી ઉપર પહોંચી ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઇ છે. અસરગ્રસ્ત લોકો સુધી જરૂરી સુવિધા પહોંચાડી દેવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  પટનાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ૧૬ જિલ્લાઓમાં પણ પુરની સ્થિતિ ગંભીર બનેલી છે. નેપાળના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની સીધી અસર બિહારમાં થઇ રહી છે. અલબત્ત જળબંબાકાર થયેલા વિસ્તારોમાં પાણીની સપાટી ઘટી રહી છે.

રોગચાળાને રોકવા માટેના પ્રયાસો હવે હાથ ધરવામાં આવી રહ્યા છે.  ઉત્તરીય વિસ્તારોમાં નેપાળના વિસ્તારોમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે પાણીની સપાટી વધી ગઈ છે. ૧૬ જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ  ગઈ છે. રાજ્યના ૧૬  જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીય ચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બિહાર, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે મોનસુની વરસાદના કારણે સ્થિતિ વણસી ગઈ છે. બિહારમાં મોતનો આંકડો વધીને ૬૭ ઉપર પહોંચી ગયો છે. રાજ્યમાં અસરગ્રસ્ત ૧૬ જિલ્લામાં ૪૬.૮૩  લાખ લોકોને અસર થઇ છે.  સિતામડીમાં સૌથી વધારે ૧૭ લોકોના મોત થયા છે. જ્યારે અરનિયામાં ૧૨ લોકોના મોત થયા છે. મધુબાનીમાં ૧૧ અને શિઓહારમાં નવ લોકોના મોત થયા છે.  કિસનગંજમાં પાંચ લોકોના મોત થયા છે.  ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  અસરગ્રસ્ત તમામ લોકોને ૬૮ રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે.

બીજી બાજુ ભારે વરસાદ બાદ ઉભી થયેલી પુરની સ્થિતિના કારણે ૧૫૩૨૧૧ હેક્ટર પાક જમીનને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી વધુ તીવ્ર કરી દેવામાં આવી છે. જે ૩૧ અસરગ્રસ્ત જિલ્લાઓ રહેલા છે તેમાં ધેમાજી, લખીમપુર, સોનિતપુર, બક્સા, બારપેટા, નાલબેરી, ચિરાંગ અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે.  આસામમાં પુરના પરિણામ સ્વરુપે વિશ્વપ્રસિદ્ધ કાજીરંગા નેશનલ પાર્કમાં ૭૦ ટકા પાણી ઘુસી ગયા છે. ૯૫ કેમ્પોમાં પણ પાણી ઘુસી  ગયા છે.આસામમાં અડધાથી પણ વધારે જિલ્લાઓ બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં પુરના કારણે જળબંબાકાર થઇ ગયા છે.આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે વર્તમાન પુરની સ્થિતી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલા અંગે પણ વડાપ્રધાનને માહિતી આપી છે. આસામમાં કાજીરંગા પાર્કમાં પણ પુરના પાણી ઘુસી ગયા છે. હાલમાં એનડીઆરએફની ૧૫ ટીમો લાગેલી છે.સ્થિતીમાં હાલમાં સુધારો થવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી.

ઉત્તરપ્રદેશમાં પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઉત્તરપ્રદેશમાં વરસાદ સાથે સંબંધિત બનાવોમાં ૧૪ લોકોના મોત થયા છે. ભોગ બનેલા લોકોના પરિવાર માટે મદદરૂપ થવા માટે ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ જારી કરવામા આવ્યા છે. પંજાબ અને હરિયાણામાં પણ બારે વરસાદ થઇ રહ્યો છે. પટિયાળા જિલ્લામાં ઘાઘર નદીમાં પાણીની સપાટી ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગઇ છે. કેરળમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આના કારણે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. છ જિલ્લામાં૨૪ કલાકમાં ૨૦૪ મીમી વરસાદ થશે. ઉત્તરપ્રદેશ, બિહાર અને આસામમાં પુરના કારણે હાલત કફોડી બનેલી છે. આ રાજ્યોમાં મોતનો આંકડો ૧૦૦થી ઉપર પહોંચ્યો છે.

Share This Article