દિલ્હીમાં એમસીડીની દબાણ હટાવો કાર્યવાહીમાં વિઘ્ન ઉભુ કરનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરવામાં આવી છે.
સરકારી કામમાં દખલના આરોપમાં ઓખલાથી આપ ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુરૂવારે દિલ્હી કોર્પોરેશને વિવિધ વિસ્તારમાં દબાણ વિરોધી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન મદનપુર ખાદર વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો.
આ વિરોધમાં આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન પણ હાજર હતા. મદનપુર ખાદર વિસ્તારમાં સ્થાનીક લોકોએ બુલડોઝર રોકવાનો પ્રયાસ કર્યો અને સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. તો સ્થાનીક લોકોએ દાવો કર્યો કે કાયદેસર માળખાને પણ ધ્વસ્ત કરવામાં આવી રહ્યાં છે.
ત્યારબાદ પોલીસે ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન સહિત અન્યને કસ્ટડીમાં લીધા હતા. ત્યારહાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. કસ્ટડી પહેલા ધારાસભ્યએ ટ્વીટ કર્યુ હતુ- ભાજપના બુલડોઝર તંત્રનો વિરોધ કરી રહેલી જનતા પર પોલીસનો લાઠીચાર્જ ગેરબંધારણીય છે.
અમે ભાજપની આ નીતિની વિરોધમાં છીએ, જનતાના હકનો અવાજ હંમેશા ઉઠાવતો રહીશ. જે માટે ભલે મારે જેલ જવુ પડે. શાહીન બાદમાં દબાણ વિરોધી કાર્યવાહી કરવા પહોંચેલી એમસીડીની ટીમનો વિરોધ અમાનતુલ્લાહ ખાને કર્યો હતો. અધિકારીના કામમાં અવરોધ ઉભો કરવા માટે તેમના વિરુદ્ધ એપઆઈઆર દાખલ કરવામાં આવી હતી.