નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય સચિવ અંશુપ્રકાશની સાથે મારામારી કરવાના મામલામાં પટીયાલા હાઉસ કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની એવી અરજીને ફગાવી દીધી હતી. જેમાં દિલ્હી પોલીસને મીડિયામાં કેસ સાથે સંબંધિત માહિતી આપવા પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટ ચાર્જશીટ ઉપર ૧૮મી સપ્ટેમ્બરના દિવસે વિચારણા કરશે.
આ પહેલા કોર્ટે પોતાનો ચુકાદો બપોરે બે વાગ્યા સુધી અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન આમ આદમી પાર્ટીના વકીલે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હી પોલીસને આ મામલા સાથે જોડાયેલી માહિતી મીડિયામાં આપવા પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી.
એએપીના વકીલે કહ્યું હતું કે આ કોઈ સામાન્ય મામલો નથી. મુખ્ય સચિવ ફરિયાદ કરનાર વ્યક્તિ છે અને મુખ્યમંત્રી ઉપર આરોપ છે. દિલ્હી પોલીસ આને મીડિયા ટ્રાયલ બનાવવાની પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટીના લોકોની દલીલોની સામે દિલ્હી પોલીસે રજુઆત કરી હતી કે તેમની છાપને ખરાબ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
દિલ્હી પોલીસે કહ્યું હતું કે એએપીના નેતા દિલ્હી પોલીસની સામે વાંધાજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેઓ અમારી છાપને ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. કોર્ટની કાર્યવાહીને પણ પ્રભાવિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. ૧૯મી ફેબ્રુઆરીની અધી રાત્રે દિલ્હીના મુખ્ય સચિવ અંશુપ્રકાશની સાથે એએપીના નેતાઓએ મારા મારી કરી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અંશુપ્રકાશને બેઠક માટે બોલાવ્યા હતા. આ મામલામાં દિલ્હી પોલીસને એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા સહિત ૧૩ લોકોની સામે ૧૫૩૩ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓની તકલીફ વધી ગઈ હતી. કેજરીવાલ પણ વિવાદમાં છે.