ફ્રાંસના એલિયટ એલ્ડર્સન નામના હેકરે ટ્વીટર પર કેટલાક સ્ક્રીનશોટ દ્વારા સરકારી વેબસાઈટો પર આધાર કાર્ડને લઈને રહેલી ખામીઓને ઉજાગર કર્યાનો દાવો કર્યો છે. પોતાને ફ્રેન્ચ સિક્યુરિટી રિસર્ચર જણાવનારા એલિયટે આંધ્ર પ્રદેશ સરકારની વેબસાઈટની યુઆરએલ અને બાયોમેટ્રિક નિશાનના સ્ક્રીનશોટને શેર કરતા જણાવ્યું કે કઈ રીતે આધાર કાર્ડ સ્કેન અને બાયોમેટ્રિક ડેટાને ખુલ્લો મૂકી દેવાયો છે. જેના લીધે આધાર કાર્ડ ડેટાની સુરક્ષા સામે ફરી એક વખત પ્રશ્નો ઉભા થયા છે.
એલિયટના ટ્વીટ બાદ એ URLને બ્લોક કરી દેવાઈ છે. પરંતુ આવું પહેલી વખત નથી કે જ્યારે એલિયટે ભારતીય વેબસાઈટની ખામીઓ ઉજાગર કરી છે. અગાઉ પણ એલ્ડર્સને જ પેટીએમ દ્વારા એન્ડ્રોઈડ યૂઝર્સ પાસેથી રૂટ એક્સેસ માગવામાં આવતા હોવા તરફ ધ્યાન દોર્યું હતું. જોકે, કંપનીએ હવે એ એક્સેસ બંધ કરી દીધું છે અને તેના માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને જવાબદાર જણાવ્યું છે.
એલિયટ બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ડેટા પર આધારિત 12 ડિજિટવાળા યુનિક આઈડેન્ટિફિકેશન નંબર, આધારની ખામીઓને ઉજાગર કરવાનો પહેલા પણ પ્રયાસ કર્યો છે. જોકે, યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દર વખતે એવો દાવો કર્યો છે કે, આધાર ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. એલિયટે એમ પણ કહ્યું કે, તે આધારની વિરુદ્ધ નથી, પરંતુ તેના સમર્થનમાં છે, પરંતુ આ રીતના મોટા પ્રોજેક્ટની સર્વોચ્ચ સુરક્ષા થવી જોઈએ.