અમદાવાદના યુવકને થર્ટીફર્સ્ટ નાઈટે લાકડીથી ઢોર માર માર્યો, સવારે લાશ મળી, ઘટના સીસીટીવીમાં કેદ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદના થલતેજ વિસ્તારમાં હેબતપુર ફાટક નજીક આવેલી ઝાડીઓમાંથી સવારે એક યુવકની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. યુવકને અન્ય જગ્યાએ માર મારી અને ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ યુવકના ઘરની નજીક તેને બેથી ત્રણ લોકો માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેથી હાલમાં સોલા પોલીસે હત્યાની આશંકાના આધારે તપાસ શરૂ કરી છે. ૧.૫૨ મિનિટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાઈક પર એક યુવકને લાવવામાં આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ તેને પકડી રાખે છે. જ્યારે અન્ય યુવક તેને લાકડીથી ફટકારી રહ્યો છે.

આ ઘટનાક્રમ સીસીટીવીમાં રેકોર્ડ થયો છે. લાકડીથી યુવકને બરહેમીથી ફટકારવામાં આવ્યો હતો. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે. બી. અગ્રાવતે જણાવ્યું હતું કે, હાલમાં યુવકની લાશ મળી આવી છે. યુવકની હત્યા કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ગણતરીના કલાકોમાં સમગ્ર મામલે તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ સવારે સોલા પોલીસને જાણ થઈ હતી કે, થલતેજ વિસ્તારમાં હેબતપુર ફાટક પાસે રેલવે ટ્રેક નજીક પેલી ઝાડીઓમાં એક યુવકની લાશ મળી છે. જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકનું નામ રાજેન્દ્ર કાનારમ નવલ (ઉ.વ.૨૫ ) છે.

ચાણકયપૂરી વિસ્તારમાં ડમરુ સર્કલ સેકટર ૩ વિસ્તારમાં રહે છે. મૃતક યુવક છોટાહાથી ચલાવતો હતો. રાત્રે ૩૧મી ડિસેમ્બર હતી અને તે રાત્રે ઘરની બહાર ગયો હતો. ત્યારે ઘર નજીક કેટલાક લોકોએ તેને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. માર મારતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે યુવકને માર મારી અને હત્યા કરી લાશને રેલવે ટ્રેક પાસે ફેંકી દેવામાં આવી હતી. સોલા પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કરી અને હાલમાં તપાસ શરૂ કરી દીધી છે.

Share This Article