વાઘોડિયાના છેવાડાના ગામમાં યુવાને કિશોરી સાથે દુષ્કર્મ કરી માર માર્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વાઘોડિયાના છેવાડાના ગામમાં મામાને ત્યાં આવેલી ૧૬ વર્ષની કિશોરીને વડોદરા લઇ જઇ ગિફ્ટ અપાવું કહી ગોરજની કેનાલની ઝાડીઓમાં ગામના યુવાને દુષ્કર્મ કરી નગ્ન અવસ્થામાં જ માર માર્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા તાલુકાના છેવાડાના ગામે પિતાના મૃત્યુ બાદ માતાના બીજા લગ્ન થતાં મામાના ઘરે રહી અભ્યાસ કરતી ૧૬ વર્ષિય આશા (નામ બદલ્યું છે) ધો. ૧૦ સુધી અભ્યાસ બાદ ઘરકામ કરતી હતી. તેના જ ગામનો અજય અંબુભાઈ વસાવા કિશોરીના ઘરની આસપાસ બેસીને તેની સાથે નિકટતા વધારી પ્રેમના પાઠ ભણાવ્યા હતા. અજય તેને મોબાઈલ આપ્યો હતો, જેનાથી બંને વચ્ચે વાતચીત થતી હતી.

થોડા સમય અગાઉ કિશોરીની માતાના પુનઃ વિવાહ અન્ય શહેરમાં થયા હતા, જેથી તે ત્યાં માતા સાથે રહેવા ગઈ હતી. દરમિયાન દિવાળીની રજાઓ હોઇ કિશોરી મામાને ત્યાં રહેવા આવી હતી. આ સમયે અજય કિશોરીને વિશ્વાસમાં લઈને ચાલ તને ગિફ્ટ લઈ આપું, તેવું કહી વડોદરાથી ગોરજ નર્મદા કેનાલની ઝાડીઓમાં બાઈક પર બેસાડી લઈ ગયો હતો. જ્યાં તેણે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરી તેનો વીડિયો પણ મોબાઇલમાં શૂટ કરી લીધો હતો.

અજયે કિશોરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે કિશોરીએ વિરોધ કરતાં ઉશ્કેરાયેલા અજયે તું તારા સ્કૂલના મિત્રો સાથે વોટ્‌સએપ પર કેમ વાત કરે છે, તેમ કહી લાકડાં વડે માર માર્યો હતો. લાકડું તૂટી જતાં અજયે વેલ લઈ તેના ચહેરા પર તેમજ મોઢા અને ગુપ્ત ભાગે માર માર્યો હતો. વેદનાથી પિડાતી કિશોરી નગ્ન હોઇ ભાગી પણ શકતી ન હતી.

દરમિયાન ત્યાંથી પસાર થતાં કોઈ યુવક-યુવતીને જોઈ મદદ માટે બૂમ પાડતાં અજયે કપડાં પરત આપી દીધાં બાદ તું મારી છે, તારી સાથે લગ્ન કરવું છે. આ તારા વીડિયો મોબાઈલમા શૂટ કરી લીધા છે. જો આ વાત કોઈને કહીશ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી તને બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી. તેમજ તને જાનથી મારી નાખી કેનાલમાં ફેંકી દઈશ તેવું અજયે કહેતાં યુવતી ડરી ગઈ હતી. ત્યારબાદ યુવતીને બાઇક પર બેસાડી ગામ પાસે છોડી દીધી હતી. જોકે યુવતી ઘટના બાદ મામાના પાડોશમાં રોકાઈ હતી. જ્યાં તેની ઇજાઓ જોઈ પૂછતાં સમગ્ર ઘટના સંભળાવી હતી. યુવતીની માતાને તેના મામાએ ફોન કરી સમગ્ર ઘટના કઈ સંભળાવતા વાઘોડિયા પોલીસ મથકમાં દુષ્કર્મ ગુજારનાર આરોપી અજય સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી અજયની ધરપકડ કરી હતી.

Share This Article