વડોદ ગામનાં યુવકે ઓડ ગામનાં વિદેશ ગયેલા મિત્રની પત્ની સાથે પ્રેમસંબધ બાંધ્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અન્ય સાથે પ્રેમસંબધ રાખે છે, તેવો વ્હેમ રાખી પ્રેમિકા પર પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો
પોલીસે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

આણંદ : જિલ્લાના વડોદ ગામનાં યુવકે ઓડ ગામનાં વિદેશ ગયેલા મિત્રની પત્ની સાથે પ્રેમસંબધ બાંધી ગત રાત્રીનાં સુમારે પરિણિત પ્રેમિકાને સંદેશર ગામની સીમમાં લઈ જઈ અન્ય સાથે પ્રેમસંબધ રાખે છે, તેવો વ્હેમ રાખી પ્રેમિકા પર પેટ્રોલ છાંટી સળગાવી દઈ હત્યાનો પ્રયાસ કરતા વલ્લભવિદ્યાનગર પોલીસે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઓડ ગામે રહેતા અને મૂળ નડિયાદનાં વર્ષાબેન ધર્મેશભાઈ ડબગરને છેલ્લા બે વર્ષથી પતિનાં મિત્ર વડોદ ગામનાં વિનોદભાઈ ઈશ્વરભાઈ ઝાલા સાથે પ્રેમસબંધ બંધાયો હતો અને પતિ ધર્મેશની જાણ બહાર બન્ને અવાર નવાર મળતા હતા. દરમિયાન ચાર માસ પૂર્વે ધર્મેશભાઈ નોકરી અર્થે દુબાઈ ગયા હતા અને બે દિકરીઓ પોતાની બહેનનાં ધરે કરમસદ ખાતે રહેતી હોઈ વર્ષાબેન અને વિનોદભાઈને મોકળુ મેદાન મળ્યું હતું. દરમિયાન થોડા દિવસે પૂર્વે પ્રેમી વિનોદનો શંકા ગઈ હતી કે વર્ષાને અન્ય કોઈ સાથે પણ પ્રેમસબંધ છે, જેને લઈને બન્ને પ્રેમી પ્રેમિક વચ્ચે ઝધડાઓ ચાલતા હતા. ગત સોમવારે વર્ષાબેનની માતાનું બેસણું હતું ત્યારે માતાનાં ફોટાની ફ્રેમનો કાચ તુટી જતા વર્ષાબેન માતાનો ફોટો લઈ આણંદ ખાતે નવો કાચ નંખાવવા માટે આવ્યા હતા. ત્યારે પ્રેમી વિનોદ પણ આણંદ આવ્યો હતો અને વર્ષાને ચાલ મારી સાથે જમ્યા બાદ તને ઓડ મુકી જઈશ તેમ કહી પોતાની મોટર સાયકલ પાછળ બેસાડી વિનોદ વર્ષાને સંદેશર મોરડ રોડ પર સીમમાં આવેલી ખેતરની નળીમાં લઈ ગયો હતો. જયાં વિનોદે પ્રેમિકા વર્ષા સાથે તેણીને અન્ય સાથે પ્રેમસબંધ હોવાનો વ્હેમ રાખી ઝધડો કરતા વર્ષાએ પોતે તેની સાથે પ્રેમસંબધ રાખવા માંગતી નથી તેમ જણાવ્યું હતું. વિનોદે તું મારી નહી તો કોઈની પણ નહી તેમ કહી પોતાનાં ખિસ્સામાંથી પૈસા અને બાઈકની ચાવી નીચે જમીન પર ફેંકી દેતા જે વર્ષા લેવા માટે નીચી નમતા આ સમયે વિનોદે પોતાની સાથે લાવેલ બોટલમાંથી પેટ્રોલ કાઢી વર્ષાબેન પર નાખી દિવાસળી ચાંપી દેતા વર્ષાબેન ભડભડ સળગી ઉઠતા વિનોદ બાઈક લઈ ભાગી છુટયો હતો. જયારે વર્ષા બેને નજીકનાં ખેતરમાં ભરાયેલા પાણીમાં ડુબકી મારી આગનો ઓલવી હતી. ત્યારબાદ વર્ષા અંધારામાં રસ્તો શોધતા શોધતા એક ખેતરમાં રહેતા પરિવાર પાસે પહોંચી હતી અને ત્યાંથી ગંભીરપણે દાઝી ગયેલી પરિણિતાને ૧૦૮ની એમ્બ્યુલન્સમાં સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જયાં પરિણિતાની સ્થિતિ ગંભીર છે. વલ્લભવિદ્યાનગર પોલીસે આ બનાવ અંગે હોસ્પિટલમાં દોડી જઈ વર્ષાબેનની ફરીયાદનાં આધારે પ્રેમી વિનોદભાઈ ઈશ્વરભાઈ ઝાલા વિરૂદ્ધ હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી ગણતરીનાં કલાકોમાં તેને ઝડપી પાડી હત્યાનાં પ્રયાસનાં ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article