હજી તાજેતરમાં જ અમેરિકામાં ગન કલ્ચર વિરુદ્ધ મોટી રેલી નીકળી હતી. તેવામાં અમેરિકામાં વઘુ એક ફાયરિંગની ઘટના બની છે. અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયામાં સૈન બ્રુનોમાં આવેલી યૂ-ટ્યુબની હેડઓફિસમાં એક મહિલાએ ગોળીબાર કર્યો હતો.
મંગળવારે મોડી રાતે એક બંદૂક લઈને આવેલી મહિલાએ ચાર લોકોને ઘાયલ કરી દીધા હતા અને ત્યારપછી પોતાની જાતને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ તે મહિલાની ઓળખ થઈ નથી અને હુમલાનું કારણ પણ જાણવા મળ્યું નથી.
હુમલો કરનાર મહિલાની ઉંમર અંદાજે 30 વર્ષ હતી. તેણે ઈમારતમાં દાખલ થતાં પહેલાં જ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસને મહિલા ફ્લોર પર મૃત હાલતમાં મળી પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવા કહ્યું છે. ત્યારપછી યૂ-ટ્યૂબની હેડ ઓફિસ બંધ કરીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.