અગોરા મોલ પાસે ફ્‌લેટમાં મહિલાની ઘાતકી હત્યા થઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા બાલાજી અગોરા મોલ પાસેના પાર્શ્વનાથ એટલાન્ટિસ નામના ફ્‌લેટમાં ગુંજન શર્મા નામની મહિલાનું ગળુ કાપી હત્યા કરવામાં આવી છે. હત્યારો એક વર્ષની બાળકીને બાજુના રૂમમાં પૂરી મહિલાની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, મહિલાની હત્યાને લઇ સ્થાનિક રહીશોમાં પણ અનેક તર્ક વિતર્કો અને અટકળો શરૂ થયા હતા. હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અગોરા મોલની બાજુમાં પાર્શ્વનાથ એટલાન્ટિસ ફ્‌લેટના એચ બ્લોકના ૨૦૧ નંબરના મકાનમાં સુધીર શર્મા તેમની પત્ની ગુંજન શર્મા દીકરી સાથે રહે છે. સુધીર શર્મા પાલડી ખાતે એક હોસ્પિટલમાં નોકરી કરે છે. સોમવારે સાંજે તેઓ ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. ઘરના મુખ્ય રૂમમાં પત્ની ગુંજન લોહી લુહાણ હાલતમાં પડી હતી, જ્યારે તેની નાની દીકરી ગાયબ હતી. આ દ્રશ્ય જોતા જ તેમણે બૂમાબૂમ કરી હતી. સુધીર શર્માની બૂમાબૂમનો અવાજ સાંભળ્યા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યાર બાદ નાની દીકરી ચાર્વીની શોધખોળ કરતાં બાજુના બંધ રહેલા એક રૂમમાંથી દીકરી મળી આવી હતી. અડાલજ પોલીસે હવે રહસ્યમય સંજોગોમાં મહિલાની હત્યાના કેસમાં હવે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ સમગ્ર પ્રકરણમાં હત્યારો એક જ છે કે એકથી વધુ અને કયા કારણસર હત્યા કરાઇ છે તે દિશામાં મુખ્ય તપાસનો દોર શરૂ કરાયો છે.

Share This Article