ગાંધીનગરના કલોલ વિસ્તારમાં કેટલાક યુવાનો સિલ્વર ફોઇલ થકી નશાનો કશ ખેંચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ચાર પાંચ યુવાનો ટોળે વળીને સિલ્વર ફોઇલ થકી નશાનો કશ ખેચી રહ્યા છે. રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના કલોલ વિસ્તારનો એક વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં યુવાનો એક મોલની બંધ દુકાનો આગળના પેસેઝમાં બેસીને સિલ્વર ફોઇલ મારફતે નશાનો કશ ખેંચતા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે અત્રેના વિસ્તારમાં નશાનો કારોબાર ચલાવતો ઈસમ અમદાવાદ ખાતેથી “સ્મેક” ડ્રગની પડીકીઓ લઈ આવી વેચાણ કરતો હોય છે. જેનાં કારણે કલોલનું યુવાધન નશાનાં રવાડે ચડ્યું છે.
ગુજરાત ડ્રગ્સના નેટવર્કનું હબ બની ગયું છે. ડ્રગ્સ માફિયાઓ પર અલગ અલગ એજન્સીઓ તવાઈ બોલાવીને ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સ ડીલર પકડી રેકોર્ડ બ્રેક ગુના નોંધ્યા છે. ૨૦૨૨માં ચાલુ વર્ષે કરેલા એન.ડી.પી.એસના કેસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો સૌથી વધુ ઝડપી લેવામાં આવ્યો છે. સાથે જ યુવાવર્ગમાં ચરસ, ગાંજો, કફ શિરપ અને એમ.ડી ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધતા હવે આ બધા જ ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. ગુજરાતના ૧૬૦૦ કિલો મીટરનો લાંબો દરિયા કિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બન્યું હતું.
ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સમાં મોટા પ્રમાણમાં દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ થયો હોવાનું ખુલ્યું છે.ત્યારે અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ સાથે ૪૬૭ કેસ સામે ૭૩૪ આરોપી ઝડપાયા છે. અને તમેની પાસેથી ૨૭ હજાર ૯૪૭ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે જેની કિંમત ૫૨ અબજ ૫૫ કરોડ ૩૧ લાખ થાય છે.આ ચોંકાવનારો આંકડો સાબિત કરે છે કે આ ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે.