ચીનમાં કોવિડ-૧૯ પર નિયંત્રણ મેળવવા માટે શહેરોમાં વારંવાર લૉકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યું છે. લૉકડાઉનના પ્રતિબંધોથી ચીનના લોકો એ રીતે પરેશાન છે કે તેનાથી બચવા માટે પોતાનો જીવ જોખમમાં મુકવા માટે પણ તૈયાર છે. નવો મામલો ચીન સ્થિત દુનિયાની સૌથી મોટી એપલ ફેક્ટરીનો છે. મધ્ય ચીની શહેર ઝેંગ્ઝૌમાં બનેલી આઈફોન ફેક્ટરીમાં કોરોના લૉકડાઉન અને સંક્રમણના ડરથી ગભરાયેલા કર્મચારી પલાયન કરી રહ્યાં છે. લૉકડાઉનને કારણે ફેક્ટરીની અંદર ફસાયેલા ન રહી જાય તે ડરથી દીવાલો કૂદી ભાગી રહ્યાં છે. ચીની મીડિયા પ્રમાણે આવનારા મહિનામાં એપલના પ્રમુખ ડિવાઇસનું ઉત્પાદન ધીમુ થઈ શકે છે.
ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપ આ પ્લાન્ટ ચલાવે છે. તેણે રવિવારે ઘરે પરત જવા ઈચ્છતા શ્રમિકો માટે બસોની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું હતું. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે લોકો ચાલીને જઈ રહ્યાં છે. લોકો પ્રતિબંધોથી બચવા માટે દીવાલ કૂદીને ભાગી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો પ્રમાણે એપલનો કર્મચારી ફેક્ટરીની બાઉન્ડ્રીવોલ અને ફેન્સિંગને કૂદીને ત્યાંથી ભાગી રહ્યાં છે. આ દરમિયાન ઘણા કર્મચારીઓને ઈજા પણ પહોંચી હતી.
ચીની મીડિયાના રિપોર્ટ પ્રમાણે દુનિયાની સૌથી મોટી એપલ ફેક્ટરીમાં ૨ લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ ચીનના સેન્ટ્રલ હેનાન પ્રાંતના Zhengzhou City માં સ્થિત છે. અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેક્ટરીની અંદર કેટલાક સમયથી સ્થિતિ ખરાબ થઈ રહી છે. ત્યારબાદ લોકો ત્યાંથી ભાગવા માટે મજબૂર થયા છે. શહેરમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ ફેક્ટરી પર લૉકડાઉનનું સંકટ છવાયેલું છે.
ચીનમાં લૉકડાઉનને લઈને કડક નિયમ છે. માત્ર ગણતરીના કેસ સામે આવતા શહેર સીલ કરી દેવામાં આવે છે. લોકોએ વારંવા કોવિડ ટેસ્ટ કરાવવો પડે છે. હવે લૉકડાઉનના ડરથી એપલ આઈફોન બનાવતી ફેક્ટરીમાં કામ કરી રહેલા કર્મચારી અને મજૂરો ત્યાંથી ભાગી પોતાના ઘરે પહોંચવા ઈચ્છે છે. આ લોકો ૧૦૦ કિલોમીટરથી પણ વધુ ચાલીને ઘરે જઈ રહ્યાં છે. કંપનીની નોટિસ પ્રમાણે ફોક્સકોને કેમ્પસ છોડનારા કર્મચારીઓ માટે સાત પિકઅપ પોઈન્ટ બનાવ્યા છે. હેનાનના અન્ય શહેરોમાં સ્થાનીક અધિકારી પણ લોકોને તેના ઘરે પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરી રહ્યાં છે.