જાપાનના ટોક્યોમાં ક્વાડ સમિટનું આયોજન થયું છે. ટોક્યોમાં વિશ્વના ધુરંધર નેતાઓની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. આજે સવારે ક્વાડના સભ્ય દેશોના નેતાઓની બેઠક થઈ અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ. આ દરમિયાન પીએમ મોદીએ ઉલ્લેખ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચે ભરોસાની મિત્રતા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાની રણનીતિક ભાગીદારી સાચા અર્થમાં એક વિશ્વાસની ભાગીદારી છે.
અનેક ક્ષેત્રોમાં અમારા આ સરખા હિતોએ વિશ્વાસના સંબંધને મજબૂત બનાવ્યો છે. વેપાર અને રોકાણમાં પણ સતત વધારો થયો છે. જાે કે આ અમારી તાકાત કરતા ઘણો ઓછો છે. તેમણે કહ્યું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી વચ્ચે ઈન્ડિયા- USA ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટથી રોકાણની દિશામાં મજબૂત પ્રગતિ જાેવા મળશે. ટેક્નોલોજી ક્ષેત્રે અમે દ્વિપક્ષીય સહયોગ વધારી રહ્યા છીએ અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ પરસ્પર સમન્વય કરી રહ્યા છીએ.
બીજી બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને કહ્યું કે પીએમ મોદી, આપણા દેશ ભેગા મળીને ઘણું બધુ કરી શકે છે અને કરશે પણ ખરા. હું પૃથ્વી પર અમારા સૌથી નજીકના વચ્ચે અમેરિકા-ભારત ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છું. અહીં પણ તેમણે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે યુક્રેન પર રશિયાના ક્રુર અને બિનન્યાયસંગત આક્રમણનના પ્રભાવો અને સમગ્ર વિશ્વ વ્યવસ્થા પર તેની અસર વિશે પણ ચર્ચા કરી. અમેરિકા અને ભારત આ નકારાત્મક અસરોને કેવી રીતે ઓછી કરી શકાય તેના પર બારીકાઈથી ચર્ચા વિચારણા કરવાનું ચાલુ રાખશે.
અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જાે બાઈડેન સાથે પીએમ મોદીની આ બીજી મુલાકાત છે. આ બેઠક પહેલા બાઈડેને પીએમ મોદીની પ્રશંસા પણ કરી હતી. કહ્યું કે પીએમ મોદીએ કોરોના સંકટને સારી રીતે હેન્ડલ કર્યું જ્યારે મહામારીને પહોંચી વળવામાં ચીન નિષ્ફળ ગયું.