ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ 93.07 ટકા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.71 ટકા પરિણામ જાહેર

Rudra
By Rudra 2 Min Read

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, ૫મે સોમવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે ૧૦:૩૦ કલાકે આ પરિણામ મુકાયું હતું. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૩.૫૧ ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૩.૦૭ ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં ૯૨.૯૧ ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે.

પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં હતાં ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે.

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ ૯૬.૬૦ ટકા પરિણામ
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૪ સ્કૂલોનું ૧૦ ટકાથી ઓછું પરિણામ

– ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૯૪ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ
– ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું દાહોદ કેન્દ્રનું ૫૪.૪૮ ટકા પરિણામ
– સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠાનું સૌથી વધુ પરિણામ ૯૭.૨૦%
– સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું પરિણામ ૮૭.૭૭%

સમગ્ર રાજ્યમાં બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. સામાન્ય પ્રવાહમાં ૯૭.૦૫ ટકા સાથે બોટાદ જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે અને ૯૨.૦૧ ટકા સાથે વિજ્ઞાન પ્રવાહમાં બોટાદ જિલ્લો ત્રીજા ક્રમે રહ્યો છે.

સામાન્ય પ્રવાહના પરિણામોના આંકડા જોઈએ તો, બોટાદ જિલ્લામાં કુલ ૪૫૧૨ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જે પૈકી કુલ ૪૩૭૯ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૮૨૬ વિદ્યાર્થીઓ પૈકી કુલ ૭૬૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. બોર્ડના પરિણામોમાં બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહેતા આ અવસરે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

Share This Article