રાજસ્થાન જતા લીમખેડાના પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, પરિવારના 5 લોકોના ઘટના સ્થળે મોત

Rudra
By Rudra 1 Min Read

રાજસ્થાન : દાહોદના લીમખેડામાં રહેતો પરિવાર પોતાના માદરે વતન રાજસ્થાનના સિરોહી જવા નીકળ્યો હતો. રાજસ્થાનમાં દાહોદથી વતન જવા નીકળેલા એક જ પરિવારના 6 સભ્યોને અકસ્માત નડ્યો હતો. જેમાં બાળક સહિત 5 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા અને 1 મહિલા હાલ ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલ દાખલ કરાઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના લીમખેડામાં રહેતો પરિવાર પોતાના માદરે વતન રાજસ્થાનના જોધપુર જવા નીકળ્યો હતો. ત્યારે સિરોહીના સરનેશ્વર પુલિયા અને સરનેશ્વર મંદિર વચ્ચે કારનું ટાયર ફાટી જતા કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે અથડાઈ હતી અને કાર નાળામાં પડી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો તેમ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. અકસ્માત થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. લોકોએ પોલીસને અને એમ્બ્યુલન્સને ઘટનાની જાણ કરતા બચાવ કામગીરી હાથ ધરી હતી. સિરોહીના કલેક્ટર અલ્પા ચૌધરી અને એસપી અનિલ કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસની મદદથી બધાને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલ એક મહિલાની સ્થિતિ ગંભીર છે. પરિવારમાં 5 લોકોએ જીવ ગુમાવતા હાલ માતમ છવાયો છે. અકસ્માતનો ભોગ બનનાર પરિવાર મૂળ ફલોદી, રાજસ્થાનનો હતો. છેલ્લા 40 વર્ષથી દાહોદ જિલ્લાના લીમખેડામાં રહેતો હતો.

Share This Article