અમદાવાદ : શહેરની જાણીતી એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજ ખાતે આગામી તા.૧૪થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન ત્રણ દિવસના ટેકનીકલ ફેસ્ટીવલ – લક્ષ્ય ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. લક્ષ્ય-૨૦૧૯ મહોત્સવની આ વખતની થીમ નુર એ સ્વદેશ રાખવામાં આવી છે. ત્રિદિવસીય આ મહોત્સવમાં વર્કશોપ્સ, ટેકનીકલ ઈવેન્ટ્સ, નોન ટેકનીકલ ઈવેન્ટ્સ, એક્સપર્ટ લેક્ચર્સ અને ફન ઈવેન્ટ્સ સહિતના અનેક આકર્ષણો રંગ જમાવશે.
એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓના ગ્રુપ રોબોકોન એલડીસીઈ દ્વારા મહોત્સવને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે એમ અત્રે એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજના આચાર્ય ડો.જી.પી. વડોદરીયા અને પ્રો.મીતુલ મકવાણાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એલ.ડી.એન્જિનીયરીંગ ખાતે યોજાઇ રહેલા આ ત્રણ દિવસના ટેકનીકલ ફેસ્ટીવલમાં દેશની ૨૫થી વધુ કોલેજાના આશરે પંદર હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. તો સાથે સાથે દેશના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, તજજ્ઞો અને આંતરપ્રિન્યોર્સ પણ ભાગ લેશે. આ મહોત્સવમાં ભારત દેશ માટે ભારતીયોની બદલાતી માન્યતા અને માનસિકતા તેમ જ દેશના હકારાત્મક પાસાઓ સહિતના અનેકવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરાશે.
આ મહોત્સવનું ઉદ્ઘાટન અનુજા પરીખ (સીઈઓ-ઈન્ટેક ઈન્ફોટેક), ધવલ માકડીયા (એડિટર દિવ્ય ભાસ્કર), ધ્વનિત ઠક્કર (રેડિયો જોકી – ૯૮.૩ રેડિયો મિર્ચી) અને રાજુ ભાઈ શાહ (ચેરમેન અને એમડી, હર્ષા એન્જિનિયરીંગ પ્રા.લિ.) દ્વારા કરવામાં આવશે. દરમ્યાન લક્ષ્ય મહોત્સવના કેમ્પેનીંગ વડા લુનીયા, હીત, રાવ, ખુશ્બુ કપૂર અને વિજ્ઞેશ સેનગુંથારે જણાવ્યું હતું કે, લક્ષ્ય ૨૦૧૯ તમામ ભાવિ એન્જિયનિર્સને તેમજ વિવિધ પૃષ્ઠભૂમિ અને વિવિધ કોલેજીસના તમામ વિદ્યાર્થીઓને વર્કશોપ્સ, ટેકનીકલ, નોન-ટેકનીકલ, લિટરરી તથા ફન ઈવેન્ટ્સમાં સામેલ થવા માટે તક આપે છે. લક્ષ્ય એક થીમ આધારિત ઈવેન્ટ છે અને દર વર્ષે અમે આ ફેસ્ટિવલ માટે અનોખા થીમ સાથે આવીએ છીએ.
આ વર્ષનું થીમ નૂર એ સ્વદેશ છે અને તેના આધારે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોડ ચર્ચા કોલેજના પરિસરમાં થશે. આ મહોત્સવથી તમામ કોલેજોનાં વિદ્યાર્થીઓને તેમનું ટેકનીકલ જ્ઞાન મજબૂત કરવામાં મદદ મળશે. આ વખતની થીમ નૂર એ સ્વદેશ છે જેમાં દેશના વિવિધ ક્ષેત્રના લોકોનો પરિચય આપવામાં આવશે જેઓ અન્ય દેશોમાં પ્રગતિ કરી રહ્યા છે. મહાનુભાવો તેમનો આઉટલૂક રજૂ કરશે. અમારી મુખ્ય ઈવેન્ટ દ્વારા, અમે દેશની વિવિધ સેક્ટર્સ જેમકે ટેકનોલોજી, મેડિકલ, પર્યાવરણ, સાહિત્ય અને કલ્ચર, સ્પોટ્ર્સ, ડિફેન્સ અને બિઝનેસ પર લક્ષ આપીશું. આ મહોત્સવમાં વિદ્યાર્થીઓ તેમની ડિક્રિપ્ટીંગ, સરક્યુટ્રી, કોડિંગ, ક્રિએટીવિટી, પ્રિસાઈસનેસ, ઈનોવેશન, સ્ટ્રેટેજીક અને વક્તૃત્વ સ્કીલ્સને સાબિત કરી શકશે.