ઉત્તર પ્રદેશના દુર્ગા પંડાલ આરતી સમયે અચાનક આગ લાગતા અફરાતફરી મચી, દસ જ મિનિટમાં આખો પંડાલ થઈ ગયો બળીને ખાખ, અનેક લોકો ઘાયલ થયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં રવિવારે રાતે લગભગ નવ વાગે આરતી થઈ રહી હતી. આરતી સમયે ૧૦૦થી વધુ લોકો ત્યાં હાજર હતા. અચાનક આગ લાગી અને અફરાતફરી મચી ગઈ. દસ જ મિનિટમાં આખો પંડાલ બળીને ખાખ થઈ ગયો. આ અકસ્માતમાં ૫ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે અને ૫૦થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માહિતી ડીએમ ગૌરાંગ રાઠીએ આપી. તેમણે જણાવ્યું કે મૃતકોમાં ૧૦ અને ૧૨ વર્ષના બાળકો અને ૪૫ વર્ષની એક મહિલા પણ સામેલ છે. ભદોહીના ડીએમએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ લોકો ૩૦થી ૪૦ ટકા જેટલું દાઝી ગયા છે. એક મીડિયાના પત્રકારના જણાવ્યાં મુજબ જે સમયે પંડાલમાં આગ લાગી ત્યારે લગભગ ૧૫૦થી વધુ લોકોની ભીડ ભેગી થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ કાર્યક્રમ સ્થળે અચાનક આગ લાગી અને જોત જોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને પંડાલમાં ભાગદોડ મચી ગઈ. આગમાં કુલ ૬૪ જેટલા લોકો દાઝી ગયા. ઔરાઈ સ્થિત નારથુઆ ગામમાં શિવ મંદિર પાસે પોખરા (તળાવ) પર દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગા પૂજા પંડાલ સ્થાપિત કરાયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ પૂજા પંડાલને કાગળ અને થર્મોકોલથી ગુફા જેવો બનાવવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને તે સમયે અચાનક પંડાલના પડદામાં આગ લાગી ગઈ. લોકો કઈ સમજે ત્યાં સુધીમાં તો જોત જોતામાં આખો પંડાલ બળીને ખાખ થઈ ગયો. ભાગદોડ દરમિયાન પણ કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ફાયર વિભાગના જવાન જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીમાં તો પંડાલ બળીને ખાખ થઈ ગયો હતો. ઔરાઈ ફાયર બ્રિગેડની ટીમે અડધા કલાકની જદ્દોજહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. પોલીસ અને ફાયરની ટીમોએ સ્થાનિક લોકોની મદદથી પંડાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા. ડીએમ ગૌરાંગ રાઠીના જણાવ્યાં મુજબ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ એક્તા ક્લબ પૂજા સમિતિ દ્વારા સ્થાપિત પંડાલમાં ડિજિટલ શો ચાલુ હતો ત્યારે કદાચ આ શોર્ટ સર્કિટ થયું અને આગ લાગી. જો કે અન્ય કારણો અંગે પણ તપાસ કરાવવામાં આવી રહી છે. આગની સૂચના મળતા જ ટોચના અધિકારીઓની સાથે સાથે સાંસદ રમેશ બિંદ, ઔરાઈ ધારાસભ્ય દીનાનાથ ભાસ્કર, જ્ઞાનપુર વિપુલ  દુબે, વગેરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Share This Article