ઓમિક્રોનના સબ વેરિયન્ટને કારણે દેશમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દરરોજ દેશમાં હજારો કેસ સામે આવી રહ્યા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાએ ગતિ પકડી છે. દિલ્હીમાં મોટાભાગના કેસ ઓમિક્રોનના સબ વેરિયન્ટના છે. આ દરમિયાન ઓમિક્રોનને લઇને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ એક મોટી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ ભારતમાં ઓમિક્રોન માટે વેક્સિન આવશે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા નોવાવેક્સ સાથે એક ઓમિક્રોન સ્પેશિયલ વેક્સિન પર કામ કરી રહી છે. આ વાત પૂનાવાલાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહી હતી. તેમણે જણાવ્યું કે, આ વર્ષના અંત સુધીમાં ઓમિક્રોન વિરુદ્ધ તૈયાર થઇ રહેલી વેક્સિન આવી જવાની આશા છે.
પૂનાવાલા અનુસાર, કંપનીમાં તૈયાર કરવામાં આવી રહેલી રસી ઓમિક્રોનના સબ વેરિયન્ટ બી૫ વિરુદ્ધ અસરકારક હશે. તેમણે જણાવ્યું કે, આ વેક્સિન ઓમિક્રોનના સબ વેરિયન્ટની સાથે-સાથે તેના મુખ્ય વેરિયન્ટ વિરુદ્ધ પણ કામ કરશે. અદાર પૂનાવાલાએ કહ્યું કે, આ વેક્સિન એક બૂસ્ટર વેક્સિન તરીકે પણ ઘણી મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે, ભારત માટે ખાસ કરીને ઓમિક્રોન વેક્સિનને પ્રોત્સાહીત કરવી ઘણું મહત્વપૂર્ણ છે. કેમ કે, ઓમિક્રોન પોતાને હળવું નહીં પરંતુ એક ગંભીર ફ્લૂની જેમ પ્રસ્તુત કરે છે. આ દરમિયાન સોમવારે બ્રિટને ઓમિક્રોનના વધતાં જતાં ભરડાને જોતાં એક નવી વેક્સિનને મંજૂરી આપી છે. બ્રિટનના ડ્રગ રેગ્યુલેટરે અપડેટેડ મોડર્ના વેક્સિનને મંજૂરી આપી દીધી છે. બ્રિટન એવો પ્રથમ દેશ બની ગયો છે જેણે ઓમિક્રોન વેરિયન્ટને ટાર્ગેટ કરનારી કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. આ નવી વેક્સિન ૧૮ વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે.