અમદાવાદ ખાતે યોજાયેલી ૧૪૬મી રથયાત્રા ખાતે દર્શને આવેલા દર્શનાર્થીઓ પૈકી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ તેમજ વડીલો સહિત ૭૨ દર્શનાર્થીઓ રથયાત્રાની ભારે ભીડમાં ગુમ થઈ ગયા હતાં. રથયાત્રા દરમિયાન બાળકો, મહિલાઓ તેમજ વડીલોને સહાયરૂપ થવા માટે બનાવાયેલી “સ્પેશિયલ-૫૬” ટીમ દ્વારા આ વિખૂટા પડી ગયેલા ૭૨ લોકોનું તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવી આ પરિવારોના ચહેરા પર સ્મિત રેલાવવાનું પ્રસંશનીય કામ કર્યું છે. તે બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહિલા અને બાળ મિત્રની “સ્પેશ્યલ -૫૬” ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ભગવાન જગન્નાથજીની અમદાવાદ ખાતે યોજાયેલી રથયાત્રામાં નાના બાળકો, મહિલાઓ તથા વડીલોને ખાસ સહાયરૂપ થવા માટે જગન્નાથ મંદિર તથા સરસપુર ખાતે સી.આઇ.ડી ક્રાઇમના “મહિલા અને બાળ મિત્ર” ના અમદાવાદ શહેરના સક્રિય ૫૬ સભ્યોની ફાળવણી કરી “સ્પેશ્યલ -૫૬” ટીમ બનાવાઈ હતી. રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ૧૨ બાળકો, ૯ મહિલાઓ, ૭ વડીલો તેમજ ૧૨ પુરુષો ગુમ થઈ ગયા હતા. તે ઉપરાંત સરસપુર શહેર કોટડા વિસ્તારમાંથી ૧૮ બાળકો, ૬ મહિલાઓ અને ૮ પુરુષો ગુમ થયા હતાં. આ તમામ ૭૨ ગુમ થયેલા નાગરિકોમાં ૩૦ બાળકો, ૧૫ મહિલાઓ અને ૭ વડીલો હતા. ઉપરાંત પાંચ વર્ષના એક મૂક બાળકનો પણ તેમાં સમાવેશ થતો હતો.
પરિવારથી વિખૂટા પડી ગયેલા આ તમામ ૭૨ લોકોને “સ્પેશ્યલ -૫૬” ટીમે પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે. આ સરહાનીય કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ટીમને અભિનંદન આપી કામગીરીને બિરદાવી છે.