અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ), ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સિનિયર સિટીઝન કાઉન્સિલ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દ્રારા સીનીયર સિટીઝન માટે “સાયબર સુરક્ષા અને મોબાઈલ જ્ઞાન – માર્ગદર્શન” વિષય પર ખાસ સીનીયર સિટીઝન ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉદગમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને એએમએ એક્સટેન્શન સર્વિસીસ કમિટીના સભ્ય ડો.મયુર જોષીએ સહુનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે અમે એ.એમ.એ. ખાતે આ નવી પહેલ દ્વારા અમદાવાદની બહારના મહત્તમ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેના પ્રયાસરૂપે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સિનિયર સિટિઝન્સ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે વડીલોને ડિજિટલ સાક્ષરતા વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. જાણીતા વિષય નિષ્ણાતો દ્રારા સાયબર સુરક્ષા અંગેનાં વિવિધ પાસાને આવરી લઇ રોજબરોજના દૈનિક જીવનમાં સંપૂર્ણ સુરક્ષા સાથે મોબાઈલ કેવીરીતે ઉપયોગ કરી શકાય તે અંગે ઝીણવટભરી માહિતી અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું.
શ્રી કૌશિક પંડયા (નેશનલ સાયબર સિક્યુરિટી સ્કોલર, સાયબર સિક્યુરિટી ગવર્નન્સ પ્રોફેશનલ)એ જણાવ્યું હતું કે ટેકનોલોજીકલ અને મોબાઇલ ક્રાંતિના યુગમાં આપણે ડિજિટલ વિશ્વમાં, રોજિંદા અપડેટ્સ વિશે જાગૃત રહેવાની અને સાયબર હુમલાઓને રોકવા અને તેના પર કાબુ મેળવવા માટે તૈયાર રહેવાની જરૂર છે.
શ્રી જે. બી. પટેલ (નિવૃત બેન્કર , પંજાબ નેશનલ બેન્ક) અને શ્રી રમેશ સી. મુલવાણી (નિવૃત બેન્કર, વિજ્યા બેન્ક)એ જણાવ્યું હતું કે નાણાકીય વ્યવહારો અને સાયબર છેતરપિંડીના સંદર્ભમાં સુરક્ષિત રહેવા માટે, આપણે સાયબર સુરક્ષાના વિવિધ પાસાઓ વિશે શીખવાની જરૂર છે કે જે આપણી જાતને અને પૈસાને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે. આપણે ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં ફસાઈ ન જવું જોઈએ અથવા સાયબર હુમલાખોરો દ્વારા રજૂ કરાયેલી ઘણી આકર્ષક યોજનાઓ દ્રારા સંમોહિત ન થવું જોઈએ.
ફોરમના અંતે સિનિયર સિટીઝન કાઉન્સિલ, ગાંધીનગરના સેક્રેટરી હસમુખ મેકવાને કાર્યક્રમ અંગે તેમના વિચારો રજૂ કરીને આભાર માન્યો હતો.