દેશમાં મંકીપોક્સના બીજા કેસની પુષ્ટિ આજે થઈ છે. બીજો કેસ પણ કેરલમાં મળ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે કેરલના કન્નૂરમાં તેની પુષ્ટિ થઈ છે. નોંધનીય છે કે વિદેશથી કેરલ પહોંચેલા યુવકને મંકીપોક્સથી સંક્રમિત હોવાની શંકામાં કન્નૂરની પરિયારામ મેડિકલ કોલેજમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીએ તેની પુષ્ટિ કરી છે.
રવિવારે સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું હતું કે કેરલમાં મંકીપોક્સનો મામલો સામે આવ્યા બાદ તિરૂવનંતપુર્મ, કોચ્ચિ, કોઝીકોડ અને કન્નૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હેલ્થ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે. નિવેદન પ્રમાણે જે દેશમાં છેલ્લા ૨૧ દિવસમાં મંકીપોક્સના કેસ સામે આવ્યા છે, ત્યાંથી આવનાર યાત્રીકો સિવાય તાવ, ફોલ્લી, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ અને ભોજનમાં મુશ્કેલી જેવા લક્ષણવાળા લોકોએ એરપોર્ટ પર હેલ્થ ડેસ્કનો સંપર્ક કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ કેરલમાં એક કેન્દ્રીય ટીમ મોકલવામાં આવી હતી. પ્રથમ મામલો પણ કેરલમાં નોંધાયો હતો. જે વ્યક્તિ ૧૨ જુલાઈએ યુએઈથી પરત આવ્યો હતો.