સુરત શહેરના ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અસામાજિક ઈસમોનો ત્રાસ સતત વધી રહ્યો હતો ત્યારે સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વાયરલ થયા હતા. જેમાં એક ઈસમ રાત્રીના સમયે બાઈક ઉપર આવીને ખુલ્લી તલવાર સાથે તોફાન મચાવતો જોવા મળે છે. આ સીસીટીવી ઉધના પોલીસને હાથ લાગતાની સાથે જ ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ એનએસ દેસાઈ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફને સીસીટીવી બાબતે તપાસ કરવા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે સૂચન કર્યું હતું.
ઉધના પોલીસ દ્વારા સીસીટીવી તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે ઉધનાના પટેલ નગર ખાતે આવેલ વાત્સલ્ય એપાર્ટમેન્ટ બહારના સીસીટીવી છે. જેમાં એક વ્યક્તિ બે દિવસ પહેલા ખુલ્લી તલવાર સાથે તોફાન મચાવતો સીસીટીવીમાં જોવા મળ્યો હતો. જેના આધારે ઉધના પોલીસે તલવાર સાથે તોફાન મચાવનાર ઈસમ રોશન દુબેને તાત્કાલિક ઝડપી પાડી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ સામાજિક ઈસમો પોતાના વિસ્તારની અંદર રોફ જમાવવા માટે સતત આ રીતે પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે પોલીસ પણ હવે તેમની સામે તેમની ભાષામાં તેમની શાન ઠેકાણે પાડવા માટે કામે લાગી છે. ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા તેમના સ્ટાફને સૂચના આપવામાં આવી હતી કે જે વિસ્તારના સીસીટીવી વાયરલ થયા છે તે વિસ્તારમાં લઈ જઈને આ ઈસમને જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી કે ફરીથી આવી પ્રવૃત્તિ નહીં કરે. કેટલાક કિસ્સાઓમાં શખ્સો પોતાના વિસ્તારમાં રોફ જમાવવા માટે આવા કૃત્યો કરતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા સતત વોચ રાખી રહી છે.