આઝાદી પછી પ્રથમવાર આ વર્ષે ભારતથી વિક્રમજનક સંખ્યામાં ૧,૭૫,૦૨૫ મુસ્લિમો હજયાત્રા પર જશે, તેમ કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રી અબ્બાસ નકવીએ શ્રી નકવી હાઉસ મુંબઇમાં હજ ખાદિમ ઉલ હુજાજ માટે આયોજીત એક પ્રશિક્ષણ શિબિરમાં સંબોધિત કરતાં જણાવ્યું હતું.
તેઓએ જણાવ્યું કે મોદી સરકારના નેતૃત્વમાં સરકાર હજનો કોટા સતત બીજા વર્ષે વધારવા માટે સફળ રહી છે અને હવે આઝાદી પછી પ્રથમ વાર આ વર્ષે ભારતથી ૧,૭૫,૦૨૫ યાત્રીઓ હજ ૨૦૧૮ માટે જશે. કુલ ૩,૫૫,૬૦૪ અરજી પ્રાપ્ત થઇ હતી, જેમાં ૧,૮૯,૨૧૭ પુરૂષ અને ૧,૬૬, ૩૮૭ મહિલા અરજકર્તાઓનો સમાવેશ થાય છે.
આ વર્ષે કુલ ૧,૨૮,૦૦૨ મુસ્લિમ યાત્રીઓ ભારતથી હજ સમિતિના માધ્યમથી હજ પર જશે, જેમાં ૪૭ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. ૪૭,૦૨૩ હજ યાત્રી ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા હજ પર જશે.
આ ઉપરાંત, ભારતથી પ્રથમવાર મુસ્લિમ મહિલાઓ મેહરામ (પુરૂષ સાથી) વગર હજ યાત્રા પર જશે. કુલ ૧૩૦૮ મહિલાઓએ મેહરામ વગર હજ યાત્રા માટે અરજી કરી હતી. અને તેમાંથી તમામ મહિલાઓને લોટરી સિસ્ટિમછી છૂટ આપવામાં આવી છે અને હજ પર જવાની પરવાનગી આપવામાં આવી છે.
નકવીએ પ્રશિક્ષણ શિબિરમાં જણાવ્યું કે હજ પ્રક્રિયા પૂર્ણ રીતે ઓનલાઇન- ડિજીટલ બનાવવાથી સમગ્ર હજ પ્રક્રિયા પારદર્શી અને હજ તીર્થયાત્રીઓની અનુકૂળ બની ગઇ છે.