ડાકોર : ઠાસરા તાલુકાના આગરવા ગામની સીમમાં સગર્ભાનું લાકડી અને કુહાડીના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી. અજાણ્યા શખ્સો પરિણીતાની કરપીણ હત્યા કરી નાસી છૂટયા હતા. આ મામલે મૃતક પરિણીતાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે સંદર્ભે પુછતાછ દરમિયાન પરિવારના એક સગીરે જ સગર્ભાના માથામાં લાકડાનો દંડો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું ખૂલ્યું છે.
ઠાસરા તાલુકાના આગરવાની સીમમાં રહેતા નગીન ઉર્ફે રાહુલ તળપદા (ઉં.વ. 22 રહે. આગરવા. તા. ઠાસરા)એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, પિતા સહિત પરિવારના 3 સભ્યો ખેતરમાં કાકડી વિણવા ગયા હતા. બાદમાં ડાકોરમાં કાકડી વેચવા માટે આવ્યા હતા. ત્યાર પછી પતિ નગીન ડાકોર ખાતે આવેલી હોસ્પિટલમાં નોકરીએ ગયો હતો. કૌટુંબિક કાકાનો દિકરો મેહુલ ઠાકોરભાઈ દેવડાનો ફોન આવતા નગીન છોટુભાઈ જમાદારના ખેતરમાં ગયો હતો. ખેતરમાં બનાવેલા ઝૂંપડા પાસે લોકોનું ટોળું એકઠું થયેલું હતું. ત્યાં તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા. ટોળા વચ્ચે પત્ની કવિતા લોહી લુહાણ હાલતમાં મૃત હાલતમાં પડી હતી. પત્નીના કપાળે અને માથામાં ઈજાઓના નિશાન હતા. ઘટના સ્થળેથી લોહીના ડાઘવાળો દંડો- કુહાડી પણ પડયા હતા. કોઈ અજાણ્યા શખ્સોએ કુહાડીના ઘા ઝીંકી કવિતાનું મોત નિપજાવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. કવિતાને 9 મહિનાનો ગર્ભ પણ હતો. આ સંદર્ભે ડાકોર પોલીસે ફરિયાદના આધારે પહેલા મૃતક સગર્ભાના પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેમના જ પરિવારના એક સગીરની સંડોવણી હોવાની શંકા ગઈ હતી. જેના આધારે સગીરની વધુ પૂછપરછ કર્યા બાદ સગીરે સગર્ભા કવિતાને માથાના ભાગે લાકડાંનો દંડો મારી મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે સગીરને તા. 20મીને શુક્રવારે ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.