ગ્રેનેડ અને બોમ્બ સાથે ઉડતું હતું ડ્રોન
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં રવિવારના રોજ એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. આ ડ્રોન પર સાત મેગ્નેટિક બોમ્બ અને એટલી જ સંખ્યામાં UBGL ગ્રેનેડ હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. આ ઘટના દક્ષિણ કાશ્મીર હિમાલયમાં પવિત્ર અમરનાથ ગુફાની વાર્ષિક તીર્થયાત્રાની શરૂઆત પહેલા બની હતી.
આ મુલાકાત પહેલા સુરક્ષા સઘન કરવામાં આવી છે. અધિક પોલીસ મહાનિર્દેશક (જમ્મુ) મુકેશ સિંહે કહ્યું કે પોલીસ સર્ચ ટીમે સવારે રાજબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના તલ્લી હરિયા ચક વિસ્તારમાં બોર્ડર પર ડ્રોનની હિલચાલ જાેઈ અને તેના પર ગોળીબાર કર્યો, પછી તે નીચે પડી ગયું. સિંહે કહ્યું કે, આ ડ્રોન પર ભરેલા સામાનની તપાસ કરવા બોલાવવામાં આવેલી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને સાત ચુંબકીય બોમ્બ અને સાત ‘અંડર બેરલ ગ્રેનાડલ લોન્ચર્સ’ (યુ.બી.જી.એલ) મળ્યાં છે.
વાસ્તવમાં, સરહદ પારથી વારંવાર ડ્રોનની હિલચાલને કારણે પોલીસ સર્ચ ટીમો નિયમિતપણે આ વિસ્તારમાં મોકલવામાં આવે છે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ૩૦ જૂનથી આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ૪૩ દિવસની અમરનાથ યાત્રા બે રૂટથી શરૂ થવા જઈ રહી છે.